શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Updated : ગુરુવાર, 30 માર્ચ 2023 (19:06 IST)

PM Modi કર્ણાટકમાં બે ગ્રીનફિલ્ડ હાઇવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ, આ બંને પ્રોજેક્ટ્સ સુરત- ચેન્નાઈ એક્સપ્રેસ-વેનો ભાગ છે

પ્રધાનમંત્રી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે,આપશે મોટી ભેટ 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરી, 2023ના રોજ એટલે કે આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. કર્ણાટકમાં પ્રધાનમંત્રી યાદગિર અને કાલબુરગી જિલ્લાઓની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 12 વાગે યાદગિર જિલ્લાના કોડેકલમાં સિંચાઈ, પીવાનાં પાણી અને રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પ્રોજેક્ટ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને ઉદ્‌ઘાટન કરશે. પ્રધાનમંત્રી આશરે 2:15 વાગ્યે કાલબુરગી જિલ્લાના માલખેડ પહોંચશે, જ્યાં તેઓ નવાં જાહેર થયેલાં મહેસૂલી ગામોના પાત્ર લાભાર્થીઓને ટાઇટલ ડીડ્સ (હક્ક પત્ર)નું વિતરણ કરશે અને રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ માટે શિલારોપણ પણ કરશે.
 
પ્રધાનમંત્રી સાંજે લગભગ 5 વાગ્યે મુંબઈમાં અનેકવિધ વિકાસલક્ષી પહેલોનું ઉદ્‌ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સાંજે લગભગ 6:30 વાગ્યે તેઓ મુંબઈ મેટ્રોની બે લાઇનનું ઉદ્‌ઘાટન કરશે અને મેટ્રોની સવારી પણ કરશે.
 
પ્રધાનમંત્રી કર્ણાટકમાં
તમામ કુટુંબોને વ્યક્તિગત ઘરગથ્થુ નળ જોડાણો મારફતે પીવાનું સુરક્ષિત અને પર્યાપ્ત પાણી પૂરું પાડવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવા માટેનું વધુ એક પગલું બની રહેશે એવા આ પ્રયાસ અંતર્ગત યાદગિર જિલ્લાના કોડેકલમાં જલ જીવન મિશન અંતર્ગત યાદગિર મલ્ટિ-વિલેજ ડ્રિન્કિંગ વૉટર સપ્લાય સ્કીમનો શિલાન્યાસ કરવામાં આવશે. આ યોજના હેઠળ ૧૧૭ એમએલડીનો વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે.  રૂ. 2050 કરોડથી વધુનો ખર્ચ ધરાવતી આ યોજનાથી 700થી વધારે ગ્રામીણ વસાહતો અને યાદગિર જિલ્લાનાં ત્રણ શહેરોનાં આશરે 2.3 લાખ કુટુંબોને પીવાલાયક પાણી મળશે.
 
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નારાયણપુર ડાબા કાંઠાની નહેર– એક્સટેન્શન રિનોવેશન એન્ડ મૉડર્નાઇઝેશન પ્રોજેક્ટ (એનએલબીસી – ઇઆરએમ)નું ઉદ્‌ઘાટન પણ કરશે. 10,000 ક્યુસેકની નહેર વહન ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટથી 4.5 લાખ હૅક્ટર કમાન્ડ એરિયામાં સિંચાઈ થઈ શકે છે. એનાથી કાલબુરગી, યાદગિર અને વિજયપુર જિલ્લાઓનાં 560 ગામોનાં ત્રણ લાખથી વધારે ખેડૂતોને લાભ થશે. આ પ્રોજેક્ટની કુલ કિંમત આશરે ૪૭૦૦ કરોડ રૂપિયા છે.
 
તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ – 150સીના 65.5 કિલોમીટરના સેક્શનનો શિલાન્યાસ પણ કરશે. આ 6 લેનનો ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ સુરત - ચેન્નાઈ એક્સપ્રેસ વેનો ભાગ છે. તે લગભગ રૂ. 2000 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.
 
પ્રધાનમંત્રીની સરકારી યોજનાઓની 100 ટકા સંતૃપ્તિનાં વિઝનને અનુરૂપ કાલબુરગી, યાદગિર, રાયચુર, બિદર અને વિજયપુરા એમ પાંચ જિલ્લાઓમાં 1475 બિન-નોંધાયેલ વસાહતોને નવાં મહેસૂલી ગામો તરીકે જાહેર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કાલબુરગી જિલ્લાના સેદામ તાલુકાનાં માલખેડ ગામમાં આ નવાં જાહેર થયેલાં મહેસૂલી ગામોના લાયકાત ધરાવતાં લાભાર્થીઓને ટાઇટલ ડીડ્સ (હક્ક પત્ર)નું વિતરણ કરશે. 
 
એસસી, એસટી અને ઓબીસીમાંથી મોટા ભાગે વંચિત અને નબળા સમુદાયોમાંથી આવતા પચાસ હજારથી વધુ લાભાર્થીઓને ટાઇટલ ડીડ્સ જારી કરવા એ તેમની જમીન માટે સરકાર પાસેથી ઔપચારિક માન્યતા પ્રદાન કરવા માટેનું એક પગલું છે અને તે તેમને પીવાનું પાણી, વીજળી, રસ્તાઓ વગેરે જેવી સરકારી સેવાઓ પ્રાપ્ત કરવા માટે પાત્ર બનાવશે.
 
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ – 150સીના 71 કિલોમીટરના સેક્શનનો શિલાન્યાસ પણ કરશે. આ 6 લેનનો ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ પણ સુરત - ચેન્નાઈ એક્સપ્રેસ વેનો એક ભાગ છે.  રૂપિયા ૨૧૦૦ કરોડથી વધુના ખર્ચે તે બની રહ્યો છે.
 
સુરત – ચેન્નાઈ એક્સપ્રેસ વે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ એમ છ રાજ્યોમાંથી પસાર થશે. એનાથી હાલનો રુટ 1600 કિલોમીટરથી ઘટીને 1270 કિલોમીટર થઈ જશે.
 
પ્રધાનમંત્રી મુંબઈમાં
પ્રધાનમંત્રી આશરે રૂ. 38,800 કરોડના મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. અવિરત શહેરી ગતિશીલતા પ્રદાન કરવી એ પ્રધાનમંત્રીનાં મુખ્ય કેન્દ્રિત ક્ષેત્રોમાંનું એક છે. તેને અનુરૂપ તેઓ આશરે રૂ. 12,600 કરોડનાં મૂલ્યની મુંબઈ મેટ્રો રેલ લાઇન્સ 2એ અને 7 દેશને સમર્પિત કરશે. દહિસર ઇસ્ટ અને ડીએન નગર (યલો લાઇન)ને જોડતી મેટ્રો લાઇન 2એ આશરે 18.6 કિલોમીટર લાંબી છે, જ્યારે અંધેરી ઇસ્ટ -દહિસર ઇ (રેડ લાઇન)ને જોડતી મેટ્રો લાઇન 7 આશરે 16.5 કિમી લાંબી છે. પ્રધાનમંત્રીએ જ વર્ષ 2015માં આ લાઇનોનો શિલાન્યાસ પણ કર્યો હતો.
 
પ્રધાનમંત્રી મુંબઈ 1 મોબાઇલ એપ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (મુંબઇ 1)નો પણ શુભારંભ કરશે. આ એપ્લિકેશન મુસાફરીમાં સરળતા લાવશે, મેટ્રો સ્ટેશનોના પ્રવેશ દ્વાર પર બતાવી શકાય છે અને યુપીઆઈ દ્વારા ટિકિટ ખરીદવા માટે ડિજિટલ ચુકવણીને ટેકો આપે છે. નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (મુંબઈ 1)નો ઉપયોગ શરૂઆતમાં મેટ્રો કોરિડોરમાં કરવામાં આવશે અને તેને લોકલ ટ્રેનો અને બસો સહિત સામૂહિક જાહેર પરિવહનનાં અન્ય માધ્યમો સુધી પણ વિસ્તૃત કરી શકાય છે. મુસાફરોએ બહુવિધ કાર્ડ્સ અથવા રોકડ સાથે રાખવાની જરૂર રહેશે નહીં; એનસીએમસી કાર્ડ ઝડપી, સંપર્ક રહિત, ડિજિટલ વ્યવહારોને સક્ષમ બનાવશે, જેથી અવિરત અનુભવ સાથે પ્રક્રિયાને સરળ બનાવશે.
 
પ્રધાનમંત્રી સાત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સનો શિલાન્યાસ કરશે, જેનું નિર્માણ આશરે રૂ. 17,200 કરોડના ખર્ચે થશે. આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ મલાડ, ભાંડુપ, વર્સોવા, ઘાટકોપર, બાંદ્રા, ધારાવી અને વરલીમાં સ્થાપવામાં આવશે. તેમની સંયુક્ત ક્ષમતા આશરે 2,460 એમએલડી હશે.
 
પ્રધાનમંત્રી મુંબઈમાં હેલ્થકેરની માળખાગત સુવિધાને મજબૂત કરવાનાં પ્રયાસ સ્વરૂપે 20 હિન્દુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું ઉદ્‌ઘાટન કરશે. આ નવીન પહેલ લોકોને આરોગ્ય તપાસ, દવાઓ, તપાસ અને નિદાન જેવી આવશ્યક તબીબી સેવાઓ સંપૂર્ણપણે મફત પૂરી પાડે છે. પ્રધાનમંત્રી મુંબઈમાં ત્રણ હૉસ્પિટલોના પુનર્વિકાસ માટે પણ શિલારોપણ કરશે, જેમાં 360 પથારી ધરાવતી ભાંડૂપ મલ્ટિસ્પેશિયાલિટી મ્યુનિસિપલ હૉસ્પિટલ, 306 પથારી ધરાવતી સિદ્ધાર્થ નગર હૉસ્પિટલ, ગોરેગાંવ (વેસ્ટ) અને 152-પથારીવાળા ઓશિવારા મેટરનિટી હોમનો સમાવેશ થાય છે. તેનાથી શહેરના લાખો રહેવાસીઓને લાભ થશે અને તેમને ઉચ્ચ વર્ગની તબીબી સુવિધાઓ મળશે.
 
પ્રધાનમંત્રી મુંબઈનાં આશરે 400 કિલોમીટરનાં માર્ગો માટે માર્ગ કોંક્રિટાઇઝેશન પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રોજેક્ટને લગભગ 6,100 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કરવામાં આવશે. મુંબઈમાં આશરે 2050 કિ.મી.ના કુલ રસ્તાઓમાંથી, 1200 કિ.મી.થી વધુ રસ્તાઓ કાં તો કોન્ક્રિટેડ છે અથવા તો કોંક્રિટીકરણની પ્રક્રિયામાં છે. જો કે, લગભગ 850 કિ.મી.ની લંબાઈના બાકીના રસ્તાઓને ખાડાઓના પડકારોનો સામનો કરવો પડે છે જે પરિવહનને ગંભીર અસર કરે છે. માર્ગ કોન્ક્રિટાઇઝેશન પ્રોજેક્ટનો હેતુ આ પડકારને દૂર કરવાનો છે. આ કોંક્રિટના રસ્તાઓ સુરક્ષા વધારવાની સાથે ઝડપી મુસાફરીની ખાતરી આપશે, જ્યારે ડ્રેનેજની વધુ સારી સુવિધાઓ અને યુટિલિટી ડક્ટ્સ પ્રદાન કરવાથી રસ્તાઓનું નિયમિત ખોદકામ ટાળી શકાય છે.
 
તેઓ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનર્વિકાસ માટે પણ શિલાન્યાસ કરશે. ટર્મિનસના દક્ષિણી હેરિટેજ નોડને ડિકન્જેસ્ટ કરવા, સુવિધાઓમાં વધારો કરવા, વધુ સારી મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેશન અને વિશ્વપ્રસિદ્ધ આઇકોનિક માળખાને તેના ભૂતકાળના ગૌરવમાં જાળવી રાખવા અને પુનઃસ્થાપિત કરવા માટે આ પુનર્વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ 1800 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ઉપરાંત પ્રધાનમંત્રી પીએમ સ્વનિધિ યોજના હેઠળ એક લાખથી વધારે લાભાર્થીઓની મંજૂર થયેલી લોનનું હસ્તાંતરણ પણ શરૂ કરશે.