એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ શ્રીકૃષ્ણ શ્રાવણ સુદ એકાદશી ને કઈ એકાદશી કહેવામાં આવે છે , આ એકાદશી નો મહિમા મને વિગતે કહી સંભળાવો…
શ્રી કૃષ્ણ બોલ્યાઃ “રાજન ! પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગના પ્રારંભીનો સમય હતો. મહિષ્મનીપરના રાજા મહિજીત પોતાના રાજયનું પાલન કરતાં હતાં. પરંતુ એમને કોઇ પુત્ર ન હતો. આથી એ રાજય એમને સુખદાયક પ્રતિત થતું નહોતું. પોતાની અવસ્ગા જોઇને રાજાને બહું ચિંતા થઇ. એમણે સમક્ષ બેસીને આ પ્રકારે કહ્યું.”
“પ્રજાજનો ! આ જન્મમાં મારાથી કોઇ પાતક થયું નથી. મે મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી, બ્રહ્મણો અને દેવતાનોનું ધન પણ મે કયારેય લીધું નથી. પુત્રવત્ પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટોને દંડ આપ્યો છે, પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ રહ્યો ન હોય ! શિષ્ટ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઇને દ્વેષને પાત્ર ગણ્યા નથી. પછી શું કારણ છે કે જેથી મારા ઘેર આજ સુધી પુત્ર ઉત્પન્ન થયો નથી ? તમે લોકો એનો વિચાર કરો !”
રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પૂરોહિતોની સાને બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહનવનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઇચ્છનારા એ બધા લોકો આમ તેમ ફરીને ઋષિ મુનિયોના આશ્મોની શોધ કરવા લાગ્યા. એટલામાં એમને મુનિશ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન, દિર્ઘાયુ અને મહાત્મા હતા. એમનું શરીર લોમથી ભરેલું હતું તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતાં. એક એક કલ્પ વસતતા એમના શરીરનો એક એક લોમ ખરતો. આથી એમનું નામ લોમેશ પડ્યું હતું. એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતાં. ”
એમને જોઇને બધા લોકોને બહું આનંદ થયો. લોકોને પોતાની પાસે આવેલ જોઇને લોમેશજીએ પૂછયું. “તમે બધા લકો અહીં શા માટે આવ્યા છો? તમારા આમનનું કારણ જણાવો ? તમારા માટે જે હિતકર કાર્ય હશે એ હું. અવશ્ય કરીશ.”
પ્રજાજનોએ કહ્યું : “બ્રહ્મન ! આ સમયે અમારા મહીજીત નામના જે રાજા છે. એમને કોઇ પુત્ર નથી. અમે લોકો એમની જ પ્રજા છીએ. અમારું એમણે પુત્રની જેમ પાલન કર્યું છે. એમને પૂત્ર હીન જોઇને એમના દુઃખથી દુઃખી થઇને અમે તપસ્યા કરવાનો દ્દઢ નિશ્ર્ચય કરીને અહીં આવ્યા છીએ. હે મહામુની ! રાજાના સદ્ભાગ્યે આ સમયે અમને આપના દર્શન દર્શન ગયા છે. મહાપૂરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળાં કાર્યો સિધ્ધ થઇ જાય છે. મુને ! હવે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય !”
એમની વાત સાંભળીને મહર્ષિ લોમેશ બેઘડી સુધી ધ્યાનમગ્ન થઇ ગયા. ત્યાર બાદ રાજાના પૂર્વજન્મનો વૃતાંત જાણીને એમણે કહ્યું : “પ્રજાજનો ! તમારા રાજા પૂર્વ જન્મમાં મનુષ્યનું લોહી ચુસનારો ક્રુર વૈશ્ય હતો. એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વ્યાપાર કરતો હતો. એક દિવસ જેઠના શુકલ પક્ષમાં એકાદશી તિથિએ જયારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઇ ગામની સીમમાં એક જળાશયે પહોચ્યો. પાણીથી ભરેલી વાવડી જોઇને વૈશ્યે ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો. એટલામાં ત્યા પોતાની વાછરડાંની ગાય પણ આવી પહોંચી. એ તરસથી પીડીત અને તાપથી વ્યાકુળ હતી. આથી વાવડીમાં જઇને પાણી પીવા લાગી. વૈશ્યે પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધુ. ગાયની આંતરડી કકળાવાના પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયો છે. બીજા કોઇ જન્મના પૂણ્યથી એને નિષ્કંટક રાજયની પ્રાપ્તી થઇ છે.”
પ્રજાજનોએ કહ્યું : “મુને ! પુરાપોમાં ઉલ્લેખ છે કે પ્રાયશ્ચિત રુપ પૂણ્યથી પાપો નષ્ટ થાય છે. માટે એવા પૂણ્યકર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાના પાપ નષ્ટ થઇ જાય અને એમને પુત્રરત્ન પ્રાપ્ત થાય !”
લોમેશજી બોલ્યાઃ “પ્રજાજનો ! શ્રાવણ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એ “પુત્રદા” ના નામે વિખ્યાત છે. એ મનોવાંચ્છિત ફળ આપનારી છે. તમે લોકો એનું વ્રત કરો, અને એનું પૂણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરુર સંતાન થશે.”
આ સાંભળીને મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક “પુત્રદા” એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું. અને એનું નિર્મળ પૂણ્ય રાજાને અર્પણ કરી દીધુ. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આણ્યો આખા રાજયમાં આનંદ છવાઇ ગયો.
પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્યો પાપોથી મુકત થઇ જાય છે. તથા ઇન્દ્ર લોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે.
એવુ કહેવાય છે કે, રાજા અને સમગ્ર પ્રજાએ પુત્રદાએકાદશીનુ પ્રેમપુર્વક વ્રત કર્યુ જેનાપ્રભાવે મહિજિત રાજાની રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો,પુત્રની ઇચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનુ વ્રત અવશ્યકરવુ જોઇએ , પુત્રદા એકાદશીની વ્રત કથા, તેનો મહિમા અને માહાત્મય કે કથાનુ વંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને તે મનુસ્યનો વૈકુંઠમાવાસ થાય છે