પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ, 48 કલાકમાં પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ, 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ રદ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. મંગળવારે પ્રવાસીઓને નિશાન બનાવીને થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આ મુદ્દે અધિકારીઓ સાથે સતત બેઠકો કરી રહ્યા છે. પીએમ મોદીએ બુધવારે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની લગભગ 2 કલાક સુધી બેઠક યોજી હતી અને પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લેવાનો નિર્ણય લીધો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે પણ પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પાકિસ્તાન સામે કાર્યવાહી અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને આ અંગે માહિતી આપી છે.
પાકિસ્તાન પર મોટી સ્ટ્રાઈક
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી જળ સંધિને મુલતવી રાખવામાં આવી છે. એટિક બોર્ડર પણ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે, પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, હાઇ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા 55 થી ઘટાડીને 30 કરવામાં આવશે.
અહીં સમજો ભારતની એક્શન
-1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવશે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને વિશ્વસનીય રીતે ટેકો આપવાનું બંધ ન કરે.
-અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે. જે લોકોએ માન્ય સમર્થન સાથે સરહદ પાર કરી છે તેઓ 1 મે, 2025 પહેલા તે માર્ગે પાછા આવી શકે છે.
-સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ પાકિસ્તાની નાગરિકોને ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભૂતકાળમાં પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા કોઈપણ SPES વિઝા રદ ગણવામાં આવશે. SPES વિઝા હેઠળ ભારતમાં હાજર કોઈપણ -પાકિસ્તાની નાગરિક પાસે ભારત છોડવા માટે 48 કલાકનો સમય છે.
-નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ, લશ્કરી, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવી રહ્યા છે. તેની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય છે.
-ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશનમાંથી તેના સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પાછા ખેંચશે. સંબંધિત હાઇ કમિશનમાં આ જગ્યાઓ નાબૂદ કરવામાં આવે છે.
સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે- "કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) એ સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી છે. આ સાથે, તમામ દળોને ઉચ્ચ સ્તરીય સતર્કતા જાળવવા માટે કહેવામાં આવ્યું છે. CCS એ સંકલ્પ કર્યો છે કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમના પ્રાયોજકોને પણ જવાબદાર ઠેરવવામાં આવશે. તહવ્વુર રાણાના તાજેતરના પ્રત્યાર્પણની જેમ, ભારત આતંકવાદી કૃત્યો કરનારા અથવા તેમને શક્ય બનાવવા માટે કાવતરું ઘડનારાઓની અવિરત શોધ ચાલુ રાખશે." તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં સફળ ચૂંટણીઓ, આર્થિક વિકાસ અને વિકાસના ડરને કારણે આ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો.