ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2017 (13:07 IST)

ચૈત્રી નવરાત્રી - ગરબા નહીં પણ ખરી ઉપાસનાનું પર્વ

ગુજરાતમાં નવરાત્રીનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માતાજીની ઉપાસના અને ગરબાનું અહીં અનેરૂ મહત્વ છે. આસો મહિનાની નવરાત્રીમાં ઠેરઠેર ગરબા યોજાય છે. જ્યારે ચૈત્ર મહિનાની નવરાત્રી કંઈક અલગ જ મહત્વ ધરાવે છે. આ નવરાત્રીમાં ગરબાનું મહત્વ ઓછું છે. પણ ક્યાંક ગામડાઓમાં કે શેરીઓમાં તેની પરંપરાગત ઉજવણી થતી રહે છે. ગુજરાતમાં ખાસ કરીને બહુચરાજી, અંબાજી અને પાવાગઢમાં આ નવરાત્રીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે.

ગુજરાતમાં ઘણા લોકો ચૈત્રી નવરાત્રી વખતે ઉપવાસ કરતા હોય છે. ઘણાં લોકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, જાગરણ કરતા હોય છે. ચૈત્રી નવરાત્રીમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે. આ દિવસથી નવ વર્ષની બેલા શરૃ થાય છે. આ નવરાત્રી અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક જણ મા શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઇ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જાપ-હવન વગેરે કરે છે. કોઇ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઇ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તેમ પણ કોઇને કોઇ રૃપમાં પૂજા તો દેવીની જ થાય છે. ચિત્રા નક્ષત્ર ઉપરથી આ માસનું નામ ચૈત્ર માસ પડયું હતું.  દંતકથા મુજબ આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન થયું હતું અને એ કમળમાંથી સૃષ્ટ્રિના પાલન કરતાં ‘‘બ્રહ્મદેવ’’નું પ્રાગટય થયું હતું. અશ્વિન મહિનાની નોરતા એ બ્રહ્માજીનો દિવસ શરૃ થાય અને ચૈત્રી નોરતાએ તેમની ૬ મહિને દિવસ પૂરો થતા રાત્રી શરૃ થાય છે.  તેથી બ્રહ્માની રાત્રિ શરૃ થઈ ગણાય.  શક્તિની ભક્તિ કે ઉપાસનાનું મહાપર્વ એટલે નવરાત્રી. નવે દિવસ દૈવી શક્તિનાં જુદાં-જુદાં નવ રૃપોની આરાધના કરવામાં આવે છે. રૃપ ગમે તે હોય પરંતુ દૈવી શક્તિ તો એક જ છે. જે જગતજનની છે. પરંતુ માતા શક્તિનાં જુદાં-જુદાં રૃપ લઇને કરેલાં કાર્યોને કારણે તે અલગ-અલગ નામે પૂજાય છે.