બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By કલ્યાણી દેશમુખ|
Last Updated : શુક્રવાર, 16 ઑક્ટોબર 2020 (16:04 IST)

ગરબાનું આયોજન ન થતાં કરોડોનો બિઝનેસ ઠપ, હજારો લોકો રોજગારી અટવાઇ

ગ્રાઉંડ રિપોર્ટ નવરાત્રી

કોરોનાના કારણે રાજ્ય સરકારે ગરબા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગરબા પર પ્રતિબંધ લાગતાં આ વર્ષે ગરબા આયોજકો તથા વેપારીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે ગરબા નહી થતાં લગભગ રૂપિયા 450 કરોડનું નુકસાન થશે. તો બીજી તરફ 10 હજારથી વધુ લોકોની રોજગારી પણ જઇ શકે છે. 

વડોદરાના ખત્રીપોળ વિસ્તારમાં રહેનાર અક્ષિતા દેસાઈનુ કહેવુ છે, તે ગરબા પાછળ દર વર્ષે 5000 રૂપિયા ખર્ચે છે. પણ ગરબા રમવાનો જે 9 દિવસનો ઉત્સાહ હોય છે,  તેની આગળ આ ખર્ચ મહત્વનો નથી. ગ્રુપમાં બધી બહેનપણીઓ સાથે ગરબા રમવા જવુ, ખાવુ પીવુ એ એક અનેરો આનંદ આપે છે. આ વર્ષે આ નવ દિવસ ખૂબ જ ખાલીપો લાગશે. 
નવરાત્રિ દરમિયાન દર વર્ષે વડોદરામાં 5 લાખ ખેલૈયાઓ ગરબે રમવા માટે પાર્ટી પ્લોટમાં જતા હોય છે. આ નવ દિવસ દરમિયાન આયોજકો ગરબા પાસ, ખાણી પીણી, મ્યૂઝિક પાર્ટી, સિંગર્સ, તથા ખેલૈયાઓન ડ્રેસ પાછળ જે ખર્ચ થતો હોય તે કરોડોમાં હોય છે. આ નવ દિવસ દરમિયાન અંદાજે 450 કરોડનો ખર્ચ થતો હોય છે. 






વડોદરામાં નવરાત્રિ પાસનો ભાવ રૂ.500થી 2000 જેટલો હતો. જે ગત વર્ષ સુધી રૂ.750થી રૂ.3,500 જેટલો પુરુષ ખેલૈયાઓ માટેનો છે. વડોદરામાં ગરબા રમવા અને જોવા માટેના પાસનો બિઝનેસ પણ રૂ.15 કરોડનો થાય છે. નવરાત્રિ દરમિયાન સરકાર દ્વારા આયોજનની પરવાનગી ન મળવાના કારણે 450 કરોડનો બિઝનેસ ઠપ્પ થઇ ગયો છે જ્યારે 10 હજારથી વધુ લોકોની રોજગારી અટવાઇ ગઇ છે. 

ગરબાનો સૌથી વધુ ક્રેજ વડોદરામાં જોવા મળે છે. અહી ગરબાની તૈયારીઓ જેટલી યુવતીઓ કરે છે તેટલા જ યુવકો પણ કરે છે. જો યુવતીઓને 9 દિવસ નવરાત્રીમાં જુદા જુદા ડ્રેસ અને ઓરનામેંટ્સ ખરીદતી હોય કે ભાડેથી લેતી હોય તો યુવકો પણ તેટલા કુર્તા અને મેચિંગ દુપટ્ટા કે કોટિ, મોજડી, પાઘડી વગેરે પાછળ રૂપિયા ખર્ચે છે. ગરબા માટેના ડ્રેસ પાછળનું એવરેજ બજેટ છોકરાઓ જ 5 હજાર જેટલું હોય છે. જ્યારે ઘણીખરી યુવતીઓ 8 હજાર જેટલો ખર્ચ માત્ર ચણિયાચોળી પાછળ જ કરે છે. બાકી એકથી બે લાખ રૂપિયા માત્ર ચણિયાચોળી પાછળ જ ખર્ચ કરનારા લોકો પણ  વડોદરામાં છે. નાના ભૂલકાં ખેલૈયાઓના બજેટ પણ 1200થી 3000 હોય છે. બીજા કેટલાક ડ્રેસદીઠ ભાડાના રોજના રૂ.1,200થી માંડીને રૂ.2,500 આપતા અચકાતા નથી. આ ઉપરાંત પોતાના વિદેશમાં વસતા પરિવારજનોને પણ વડોદરાથી ડ્રેસ ખરીદીને મોકલાવે છે. આ ગણતરી મુજબ વડોદરા નવરાત્રિમાં ખેલૈયાઓ 200 કરોડ રૂપિયા માત્ર નવરાત્રિના ડ્રેસ પાછળ જ ખર્ચી નાખે છે.  
અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 300થી વધુ પાર્ટી પ્લોટ આવેલા છે. જેમાંથી 60 થી 70 પાર્ટી પ્લોટ ગરબાનું આયોજ કરે છે. પ્રત્યેક પાર્ટી પ્લોટનું ભાડું નવરાત્રિ દરમિયાન ડેકોરેશન સાથે અંદાજે 15 થી 40 લાખ થાય છે. ગરબાના સ્થળે ફૂટ કોર્ટનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ગરબાનું આયોજ ન થતાં અંદાજે 40 થી 50 કરોડ રૂપિયાનું નુકસાન થશે. તો બીજી તરફ 10 થી 15 હજારથી વધુ લોકોની રોજગારી પણ મુશ્કેલીમાં પડી ગઈ છે. 
 
નવરાત્રિ દરમિયાન કેટરિંગના બિઝનેસને 5 કરોડનું નુકસાન થવાનું અનુમાન છે.  ખેલૈયાઓ 150થી માંડીને 1000 રૂપિયા સુધીનો ખર્ચ ખાણીપીણી પાછળ કરે છે. જ્યારે ખેલૈયાની પાર્ટી 5થી 10 હજાર સુધી જાય છે. ખાણીપીણીનો જ નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ સરેરાશ રૂપિયા 100 કરોડ ખર્ચી કાઢે છે. 
 
સાઉન્ડ એન્ડ લાઇટિંગના બિઝનેસ 4 થી 5 કરોડનું નુકસાન થશે. નવરાત્રિમાં એક દિવસના 5 હજાર રૂપિયાનો ચાર્જ કરતા ઓડિયો સિસ્ટમના સંચાલકો લે છે કે જેઓ શહેરના મધ્યમ અને નાના કદના ગરબામાં સર્વિસ આપતાં હોય છે. જ્યાં સાઉન્ડ સિસ્ટમનો સરેરાશ એકંદર ખર્ચ 4 થી 5 કરોડ જેટલો થાય છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા હર્ષ વ્યાસનુ કહેવુ છે કે તેને આ વખતે ગરબા ન થવાથી બિલકુલ ગમતુ નથી.  તે દર વર્ષે પાસના 3500 રૂપિયા અને નવ દિવસની ડ્રેસ સાથે મળીને નવરાત્રીમાં 10 હજારથી વધુ રૂપિયા ખર્ચી નાખે છે.  આ વખતે ગરબાનુ આયોજન તો ક્યાય થવાનુ નથી તેથી ટેરેસ પર જ  રાત્રે ગરબા રમીને મનની હોશ પુરો કરી લઈશુ.