Last Modified: બીજિંગ , સોમવાર, 25 ઑગસ્ટ 2008 (13:44 IST)
બાય બાય બીજિંગ, નમસ્તે લંડન..
નીતનવી રમત લાક્ષણિકતા, એક બીજાને પાછળ કરીને જીતવાનો અનેરો ઉત્સાહ સાથે આવેલો અત્યાર સુધીનો સૌથી શાનદાર ઓલિમ્પિક રમત ઉત્સવ રવિવારે સાંજે ચાર વર્ષ બાદ ફરી લંડનમાં આવવાના વાયદા સાથે સુંદર સમાપન સાથે આવજો કહી ગયો.
બીજિંગના મેયર ગુઆઓ ઝિનલોંગે 2012 માં ઓલિમ્પિક સ્પર્ધાના આયોજક દેશ લંડનના મેઝબાનના શહેર મેયર બોરિસ જોનસનને ઓલિમ્પિક ધ્વજ આપીને રમતોસ્તવનુ સમાપન કર્યુ હતું. આ સમયે આઠ મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ચીને આ 16 દિવસના રમતોત્સવમાં આયોજન કરવામાં અને મેદાન મારવામાં કોઈ કસર બાકી રાખી ન હતી.ચીનમાં 302 સુવર્ણ પદકોની જાહેરાત થઈ પરંતુ દુનિયાની નજર તો અમેરિકાના સ્વીમર ફેલ્પ્સ અને જમૈકાના બોલ્ટ પર હતી જેમણે ઓલિમ્પિકના ઇતિહાસમાં વધુ સુવર્ણ પદક જીતવા બદલ પોતાનું નામ લખાવ્યુ છે.
ભારત માટે પણ આ ઓલિમ્પિક શુભકારક રહ્યુ કારણ કે ભારતે એક સુવર્ણ પદક સહિત ત્રણ પદક મેળવ્યા જે ભારત માટે અત્યાર સુધીનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ હતું. ઓલિમ્પિક ઉદઘાટન સંમારંભની જે ઝગમગાહટથી શરુઆત થઈ હતી તેવી રીતે જ તેનો સમાપન સંમારંભ પણ રોનકભર્યો રહ્યો હતો. ચીની રાષ્ટ્રપતિ હુ ઝિંતાઓ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ જૈક્સ રોગે રંગ બેરંગી કાર્યક્રમમાં પધાર્યા હતાં. ત્યારબાદ ડ્રમવાદન સાથે કુંગફૂ છાત્રોએ ધમાકેદાર પ્રદર્શન કરી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
બાદમાં ઓલિમ્પિકમાં ભાગ લેનાર 204 દેશોના ખેલાડીઓએ ટ્રૈક પર રાષ્ટ્રધ્વજનુ વહન કર્યુ હતું. ભારતના રાષ્ટ્રધ્વજનુ વહન વિજેન્દ્રસિહે કર્યુ હતું. સમારંભની વચ્ચે જ રવિવારે યોજાયેલી સ્પર્ધાના પદકોનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. આયોજન સમિતિના અધ્યક્ષ લિયુ કુઈ અને રોગેએ કહ્યુ કે રમતથી દુનિયાની ખરાબીને સમાપ્ત ન કરી શકાય પરંતુ તેનાથી સકારાત્મક બદલાવ તો લાવી જ શકાય છે.
બેકહામ વાયોલનવાદક અને બાળકો સાથે મંચ પર આવ્યા અને બાળકે બેકહામને ફૂટબોલ અર્પણ કર્યો, જે ઈંગ્લેંડના પૂર્વ કપ્તાનના ટ્રેડમાર્ક 'ક્રૉસ' થી મેદાન પર હાજીર ખેલાડીઓના સાગરમાં સમાઈ ગઈ.
આખરમાં મશાલ ઓલવી નાખવામાં આવી, પણ આતિશબાજીથી મેદાન ચમકતુ રહ્યુ. આની સાથે છ ગાયક કલાકારો 'બીજિંગ બીજિંગ આઈ લવ બીજિંગ..' ગાઈ રહ્યા હતાં.
ખેલાડીયોએ 16 દિવસની પ્રતિસ્પર્ધાને ભૂલાવી એક બીજાને ગળે મળ્યા હતાં. અને લંડનમાં મળવાના વાયદા સાથે છૂટા પડ્યા હતાં.