1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદઃ , શુક્રવાર, 21 ઑગસ્ટ 2015 (18:17 IST)

પાટીદારોની જંગી જાહેરસભા - જીએમડીસી ગ્રાઉન્ડ રેલીનું સ્થળ

આગામી તા. ૨૫ ઓગસ્ટે પાટીદારોની જંગી જાહેરસભા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે, પરંતુ મહારેલીના પ્રશ્ને અનિશ્ચિતતાનો માહોલ હતો, જે પણ દૂર થયો છે. જીએમડીસી ગ્રાઉન્ડથી જ સવારની મહાસભા બાદ બપોરે એક વાગ્યે મહારેલી નીકળીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જશે.
 
અગાઉ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ફક્ત મહાસભા યોજાશે અને ત્યાર બાદ આંદોલનકારીઓનું પ્રતિનિધિમંડળ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જશે અથવા તો રાજ્ય સરકારના વરિષ્ઠ પ્રધાન કક્ષાના પ્રતિનિધિ મહાસભા બાદ હાથોહાથ આવેદનપત્ર સ્વીકારશે તેવી અટકળો વહેતી થઇ હતી.
 
પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે 'સમભાવ મેટ્રો' સાથેની વાતચીતમાં આ તમામ પ્રકારની અટકળોને ફગાવી દીધી છે. આંદોલનકારીઓના અગ્રણી નેતા હાર્દિક પટેલ કહે છે કે જીએમડીસી ગ્રાઉન્ડથી મહાસભા પૂર્ણ થયા બાદ બપોરે એક વાગ્યે મહારેલીનું આયોજન કરાયું છે. આંદોલનકારીઓ મહારેલી કાઢીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જશે.
 
દરમિયાન રિવર ફ્રન્ટનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આઇ.કે. પટેલ કહે છે કે તા. ૨૫ ઓગસ્ટની મધરાતથી સમગ્ર દિવસ દરમિયાન આયોજકો પશ્ચિમ કાંઠાની વલ્લભસદનથી ગાંધીબ્રિજ સુધીની ૫૦ હજાર સ્કે.મીટરની જગ્યામાં મફતમાં પાર્કિંગ કરી શકશે. જો વ્યવસ્થિત પાર્કિંગ થશે તો ૩૦૦ બસ આટલી જગ્યામાં પાર્ક થઇ શકે તેમ છે.
રિવર ફ્રન્ટની જવાબદારી ટ્રાફિક પોલીસ-આયોજકોની રહેશે
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આઇ.કે. પટેલ વધુમાં કહે છે કે રિવર ફ્રન્ટ પર પાર્કિંગની સઘળી જવાબદારી ટ્રાફિક પોલીસ અને આયોજકોની રહેશે. તે દિવસે કોર્પોરેશનની કોઇ જવાબદારી રહેતી નથી.