મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ગાંધીનગર : , શનિવાર, 7 મે 2016 (11:28 IST)

પાટીદાર આંદોલનનો કાર્યક્રમ

ગઈ કાલે ગાંધીનગર ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ની એક ગુપ્ત બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદાર આંદોલનને વેગવંતુ બનાવવાની રણનીતિ ઘડવામાં આવી હતી. આ બેઠક પછી પાસના સંયોજકોએ આર્થિક અનામતની સરકારની જાહેરાત ફગાવી દઈ ઓબીસીની જેમ સ્પેશિયલ કેટેગરીમાં અનામત આપવાની માગણી ચાલુ રાખીને આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ સાથે જ 6 મહિના સુધીના અહિંસક કાર્યક્રમો જાહેર કરીને હાર્દિક પટેલ જ આંદોલનના નેતા રહેશે, તેમ જણાવ્યું હતું.

પાસના સંયોજક લલિત વસોયા, ધાર્મિક માલવિયા અને મનોજ પનારાએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, ભાજપ હવે પટેલોને મૂર્ખ સમજવાની ભૂલ ન કરે. અમારો એક જ માર્ગ છે કે અનામત અને અત્યાચાર સામે ન્યાય. આ માટે 6 મહિનાના કાર્યક્રમો નક્કી કરાયા છે. જેની શરૂઆત 8મીએ વિસનગરના કાંસા ખાતે ખાપ પંચાયતથી થશે. આ કાર્યક્રમોમાં પાટીદર સમાજના આગેવાનો, શુભચિંતકો અને શ્રેષ્ઠીઓ માર્ગદર્શક હાજરી આપશે, જેમાં ગુર્જર આંદોલનના નેતા નિવૃત્ત કર્નલ હિંમતસિંહ ગુર્જર, જાટ આંદોલનના નેતા યશપાલસિંહ મલ્લીક, અભય ચૌટાલા, મમતા બેનર્જી, નીતિશ કુમાર, જગમોહન રેડ્ડી, રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે, જ્યોતિરાવ સિંધિયા, ગાંધીવાદી ચિંતક અન્ના હજારે સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

હાર્દિક સહિતના આંદોલનકારીઓને જેલમુક્ત કરાવવા અને અનામત મેળવવા માટે દિલ્હી ખાતે કુર્મી મહાસભાનું આયોજન કરીને આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું પણ નક્કી કરાયુ છે. જ્યારે રાજ્યના ગ્રામ્ય વિસ્તારો અને જિલ્લા-તાલુકા કક્ષાએ સરકારના સમર્થકોના પક્ષમાંથી રાજીનામાં અપાવવા માટેના કાર્યક્રમો યોજાશે.

પાસે જાહેર કરેલા આગામી કાર્યક્રમો

– 8 મે 2016 વિસનગરના કાંસા ખાતે ખાપ પંચાયત
– 9 મે 2016 હિંમતનગર ખાતે એકતાયાત્રા
– 15 મે 2016 મધ્યગુજરાતમાં સરદાર એકતાયાત્રા
– ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા અને મહીસાગર ખાતે
– નર્મદા પાટીદાર એકતા સભા
– 25 મે 2016 પાટીદાર ગૌરવ યાત્રા વરણા(ખોડલધામ)થી ઉંઝા(ઉમિયાધામ) 15-22016 સુધી
– 29 મે 2016 કરમસદ ખાતે સરદાર એકતાયાત્રા પૂર્ણાહૂતિ પ્રસંગે ચાર લાખ પાટીદારોની હુંકારસભા
– 5 જૂન 2016 પાદરા ખાતે એકતા સભા
– 12 જૂન 2016 સુરેન્દ્રનગર ખાતે પાટીદાર જાગૃતિ સંમેલન
– 26 જૂન 2016 વસ્ત્રાલ, બાપુનગર ખઆતે પાટીદાર મહાસભા
– 3 જુલાઇ 2016 ભાવનગર ખાતે પરિવર્તન સભા
– 17 જુલાઇ 2016 માલવણ ધ્રાંગધ્ર-120 ગામોની પાટીદાર એકતાસભા
– 31 જુલાઇ 2016 સુરત ખાતે પાટીદાર મહિલા સન્માન સમારોહ
– 7 ઓગસ્ટ 2016 નવસારી, વલસાડ પાટીદાર જાગૃતિસભા
– 25 ઓગસ્ટ 2016 પાટીદાર ક્રાંતિદિન-મોરબી
– 26 ઓગસ્ટ 2016 પાટીદાર શહીદદિન અમરેલી
– 4 સપ્ટેમ્બર 2016 વીજાપુર ખાતે ઉત્તર ગુજરાત પાટીદાર એકતા મહાસભા
– 18 સપ્ટેમ્બર 2016 જામનગર ખાતે પાટીદારયાત્રા અને મહારેલી
– 2 ઓક્ટોબર 2016 રાણીપ, ઘાટલોડીયા પાટીદાર અહિંસક સભા
– 11 ઓક્ટોબર 2016 રાજકોટ ખાતે પાટીદાર ગુજરાત પરિવર્તન સભા
– 6 નવેમ્બર 2016 પાલનપુર ખાતે પરિવર્તન રેલી.
– 20 નવેમ્બર 2016 અંકલેશ્વર, ભરુચ પાટીદાર એકતા સંમેલન
– 11 ડિસેમ્બર 2016 બોટાદ ખાતે કિશાન આક્રોશ સભા
– 23 ડિસેમ્બર 2016 જુનાગઢ ખાતે ખેડૂત જાગૃતિ મહાસંમેલન