રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By એજન્સી|

સૌરાષ્ટ્રના શ્રી સોમનાથ મહાદેવ

W.D

સૌરાષ્ટ્રે સોમનાથ મહાદેવ..."સાક્ષાત શિવ સ્વરૂપ ભગવાન સોમેશ્વરનું ભવ્યાતીભવ્ય મંદિર ગુજરાતમાં જૂનાગઢનાં દરિયા કિનારે આવેલું છે. પુરાણકથા અનુસાર સોમ-ચંદ્રદેવે આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્‍ણ ભગવાને લાકડાનું અને રાજા ભીમદેવે પથ્થરનું બંધાવ્યું હતું. વર્તમાન સમયનું જે મંદિર છે, તેનું બાંધકામ વર્ષ 1950માં શરૂ થયું હતું.

સોમનાથ મહાદેવનું મંદિર ભારતનાં મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભગવાન સોમનાથ જે સત્યયુગમાં ભૈરવેશ્વર તરીકે, ત્રેતા યુગમાં શ્રાવણીકેશ્વર તરીકે અને દ્વાપરયુગમાં શ્રીગલેશ્વર તરીકે ઓળખાયા હતા. તેમના મહિમાનું સ્મારક તરીકે બાંધવામાં આવેલું આ સોમનાથ સાતમું મંદિર છે.

ઐતિહાસિક સોમનાથ મંદિરનો ઇતિહાસ -

સોમનાથ ભારતવર્ષનું પ્રમુખ યાત્રાધામ હતું. સોમનાથના પ્રાચીન શીવમંદીરનાં દર્શને રોજ હજારો યાત્રાળુઓ આવતાં. મંદીરની આવક લાખોમાં ગણાતી. કહે છે કે મંદીરમાં 200 મણની સોનાની સાંકળ હતી.. તેને બાંધેલા સોનાના ઘંટોથી પ્રચંડ ઘંટારવ થતો. મંદીરનું હીરા-માણેક-રત્નજડીત ગર્ભગૃહ ઝળાંહળાં રહેતું. ભગવાન શીવની મુર્તી રત્નોના પ્રકાશથી રાત્રીના અંધકારમાં ઝગમગી ઉઠતી.
W.D

ઈ.સ. ઓક્ટોબર, 1025નો ઓક્ટોબરમાં મહમુદ ગઝની ગુર્જરદેશ પર આક્રમણ કરવા જંગી લશ્કરી તાકાત સાથે નીકળ્યો. તેના લશ્કરમાં 40,000 જેટલા ઘોડેસ્વારો હતા. રણની મુસાફરી હોવાથી પાણીનું વહન કરતાં 25,000થી વધારે ઉંટ સાથે હતાં. મહમુદ મુલતાન થઈ આબુ-પાલણપુરના રસ્તે અણહીલપુર પાટણ પહોંચ્યો. પાટણનરેશ ભીમદેવ પહેલો તેનો સામનો કરી શકે તેમ ન હતો. તે ભાગી છુટ્યો. પાટણના સૈન્યને હરાવી મહમુદ પ્રભાસપાટણ સોમનાથ તરફ વળ્યો.

મહમુદ ગઝની ઈ.સ. 1026ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાસપાટણ સોમનાથ પહોંચ્યો. શહેરને ફરતો કીલ્લો હતો. ગઝનીના લશ્કરે તેના પર હુમલો કર્યો. બહાદુર યોદ્ધાઓએ શહેરની રક્ષા કરવા મરણીયા પ્રયત્નો કર્યા. ત્રણ દીવસમાં પચાસ હજાર વીર લડવૈયાઓએ ભગવાન સોમનાથની રક્ષા કરતાં પ્રાણ પાથર્યા.

પ્રભાસનું પતન થયું. મહમુદ ગઝનીના લશ્કરે શહેર લુંટ્યું. તેણે સોમનાથ મંદીરને તોડી તેનો નાશ કર્યો; તેની અમુલ્ય સંપત્તી લુંટી લીધી. વીસ લાખ દીનાર જેટલી જંગી લુંટ સાથે મહમુદ રણના રસ્તે નાઠો. કેટલાક ભારતીય રાજાઓએ તેનો પીછો કરી તેના માટે ભારે મુશ્કેલીઓ ઉભી કરી, પરંતુ તે ગઝની પહોંચી ગયો. તે પછી તેણે ક્યારેય ભારતવર્ષ પર આક્રમણ ન કર્યું. ઈ.સ. 1030માં મહમુદ ગઝનીનું મૃત્યુ થયું.

ભીમદેવ પહેલાએ થોડો વખત રાજ્ય બહાર રહી, ફરી પાટણને સંભાળ્યું. કહે છે કે ભીમદેવ તથા માલવનરેશ ભોજે સાથે મળીને સોમનાથના મંદીરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સોમનાથના ભવ્ય પાષાણ મંદીરનું પુન:નીર્માણ થયું. તેના સમયમાં મોઢેરામાં સુર્યમંદીર બંધાયું. આબુના દંડનાયક વીમલ મંત્રીએ આબુ પર ભગવાન આદીનાથનું આરસનું દેરાસર બંધાવ્યું.
W.D

ભીમદેવ પહેલાએ આશરે 42 વર્ષ રાજ્ય કર્યું. (ઈ.સ. 1022 - 1064). ભીમદેવના સ્વર્ગવાસ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો. (ઈ.સ. 1064 - ઈ.સ. 1074). કર્ણદેવે દક્ષીણમાં લાટપ્રદેશ પર વીજય મેળવી પાટણની સત્તાને કોંકણના સીમાડા સુધી પહોંચાડી.

કર્ણદેવે ગોવાપ્રદેશની કદંબકન્યા મીનળદેવી સાથે લગ્ન કર્યાં. તે સમયમાં ઉત્તરે સારસ્વત મંડલ તથા દક્ષીણે ખેટક મંડલની વચ્ચે - એટલે હાલના અમદાવાદની આસપાસના પ્રદેશમાં - ગાઢાં જંગલો હતાં જ્યાં ભીલ સમુદાયો વસતા. આશાપલ્લી (હાલ અસલાલી) નામે ઓળખાતા આ દુર્ગમ પ્રદેશમાં ભીલ રાજા આશા ભીલનું રાજ્ય હતું. કર્ણદેવે તેને હરાવી આશાપલ્લીની પાસે કર્ણાવતી શહેર વસાવ્યું. (ચાર-પાંચ સદી પછી અહીં અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું).

આ ઉપરાંત કર્ણદેવે અન્ય નગર, તળાવ અને મંદીરો પણ બંધાવ્યાં. કર્ણદેવ સાહીત્યપ્રેમી રાજા હતો. કર્ણદેવના જીવનના ઉત્તરાર્ધમાં જ્યારે રાજ્ય પર તેની સત્તા ઢીલી પડતી ગઈ, ત્યારે તેની રાણી મીનળદેવીએ પાટણને સંભાળવાની જવાબદારી ઉપાડી હતી. કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર અને પાટણનો યુવરાજ જયસીંહ ત્યારે હજુ કીશોર અવસ્થામાં હતો. બાદમાં તેણે બધી જવાબદારી સંભાળી હતી.

શ્રી સોમનાથ મંદિરનું વર્ણન -

શિખરના ભાગના બાંધકામના પહેલા તબક્કામાં મંદિરનું ગર્ભગૃહ અને સભામંડપ બાંધવામાં આવ્યા હતા. નૃત્ય મંડપ પાછળથી બાંધવામાં આવ્યો હતો. મંદિરનું બાંધકામ સોલંકી શૈલીથી કરવામાં આવ્યું હતું. જેમાં કળશ 155 ફુટની ઊંચાઇએ મુકવામાં આવ્યો છે. શિખર પરના કળશનું વજન 10 ટન છે. ધ્વજ-સ્તમ્ભ 37 ફુટ લાંબો છે. આ વિગતો મંદિરના કદનો ખ્યાલ આપે છે. ઐતિહાસિક સમયમાં, ચોક્કસ રીતે કહીએ તો ત્રીજી વાર બાંધવામાં આવેલા મંદિરને ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ક્રોધાવેશમાં આવીને મંદિરને ધરાશાયી કરી નાખ્યું હતું. પછીથી સુલતાન અલ્લાઉદીન અને મોહમ્મદ બેગડાએ પણ તેને અપવિત્ર કરી નાખ્યું હતું.
W.D

ગુજરાત મરાઠાના તાબામાં આવ્યા બાદ ઇન્દોરની રાણી અહલ્યાબાઇએ જૂના મંદિરની પાસે નવું નૂતન મંદિર 1950માં બાંધ્યું હતું. અને ત્યારથી ભગવાન મહાદેવની પૂજા ત્યાં થાય છે. નિયમીત વેદોક્ત રુદ્રાભિષેક અને વિવિધ પૂજન અર્ચન કરીને પૂજારીગણ ભગવાન સદાશિવની આરાધના કરે છે.

મંદિર એવી રીતે બાંધવામાં આવ્યું છે કે, અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી કયાંય જમીન આવતી નથી. એક તીર આ દિશાને નિર્દેશ કરે છે. દેહોત્સર્ગ કે જેને ભાલકા તીર્થ પણ કહેવામાં આવે છે, કે જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાનો નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો, તે સાવ સોમનાથની નજીકમાં છે. આ ઉપરાંત બાણગંગા શિવલીંગ તીર્થ સ્થળ કે જે ત્રણ નદીઓ જેવી કે, હિરણ્ય, સરસ્વતી અને કપિલા નદીઓના સંગમ સ્થળની બરોબર વચ્ચે આવેલું છે. દૂરથી આપણે જોઇએ તો એવું લાગે છે કે, આ અદ્દભુત શિવલીંગ દરિયાની વચ્ચે આવેલું છે. દરિયામાં ભરતી અને ઓટ આવતી રહેતી હોવાથી ભાગ્યેજ આ શિવલીંગના દર્શન થાય છે. અને જો આ શિવલીંગના દર્શન થાય તો જીવનમાં આપણી બધી પ્રાથના સાકાર થાય છે. આ ઉપરાંત શ્રી વલ્લભાચાર્યની બેઠક પણ પ્રભાસ પાટણમાં આવેલી છે. યાત્રીકોએ આ તમામ સ્થળોની મુલાકાત લેવી જોઇએ.

કેવીરીતે જશો ?
હવાઇ માર્ગ - સૌથી નજીકનું હવાઇ મથક કેશોદમાં છે(47 કિ.મી) અને જે મુંબઇ સાથે જોડાયેલું છે. તેમજ રાજકોટ અને ભાવનગર હવાઇઅડ્ડો પણ નજીકમાં છે.

રેલવે માર્ગ - સોમનાથ સૌથી બ્રોડગેજ હોવાથી મોટા ભાગની ટ્રેનો મંદિર સુધી જાય છે. તેમજ સૌથી નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ 5 કિ.મી. દૂર છે.

બસ માર્ગ - સોમનાથ મંદિર પહોંચવા માટે રાજ્ચ પરીવહન નિગમની બસો તથા ખાનગી બસો ઉપલબ્ધ છે.