શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By હરેશ સુથાર|

શ્રધ્ધા સાથે ભાઇચારાનું પ્રતિક-મીરાદાતાર

W.D

એક એવું સ્થળ કે જ્યાં નમાજ અદા કરવામાં મુસ્લિમ બિરાદરો પોતાની જાતને ધન્ય સમજે છે. સાથોસાથ હિન્દુઓ પણ આ સ્થળે દુઆ કરી ધર્મના વાડાને મીટાવે છે. તો આવો આજે ધર્મ યાત્રાની આ કડીમાં આ પવિત્ર મીરા દાતારની દરગાહની મુલાકાત લેવા ઉત્તર ગુજરાતના ઉનાવા ગામે જઇએ.

મહેસાણાથી પાલનપુર હાઇવે તરફ 19 કિલોમીટર દુર નાનકડું એવું ઉનાવા ગામ આવેલું છે. આમ તો આ ગામની અન્ય કોઇ વિશેષતા નથી. પરંતુ આ ગામમાં આવેલ સૈયદ અલી મીરાદાતારની દરગાહે આ ગામને દેશ-વિદેશમાં જાણીતું કર્યું છે.
W.D

ગામના પ્રવેશ દ્વારે આવેલ 600 વર્ષ પુરાણી સૈયદ અલી મીરાદાતારની આ દરગાહ પ્રત્યે એકલા મુસ્લિમ બિરાદરો જ નહી, હિન્દુ શ્રધ્ધાળુઓ પણ ભારે આસ્થા ધરાવે છે. આ પવિત્ર દરગાહમાં માથુ ટેકવાથી ભૂત, પ્રેત, બલા, બિમારી સહિતના વળગણ દુર થતા હોવાનું માનવામાં આવે છે. અનેક ઉપચારો કરવા છતાં કોઇ રોગ દુર થતો ના હોય તો અહી આવવા માત્રથી તેને સારૂ થઇ જતુ હોવાના ઘણા કિસ્સા જાણવા મળે છે.

ફોટોગેલરી માટે અહીં ક્લિક કરો....

આ દરગાહ પ્રત્યે લોકોમાં ભારે શ્રધ્ધા જોવા મળે છે એના કરતાં પણ તેનો ઇતિહાસ વિશેષ છે. એક હિન્દુ કવિએ આપેલા ઇન્કલાબથી આ દરગાહનું નામ પડ્યું છે. શાહ સોરઠ કવિએ હઝરત મીરા સૈયદ અલી દાતારને મીરા એટલે માનવજાતને પ્રેમ કરનાર અને દાતાર એટલે દાનવીર. આમ મીરાદાતારના ઇન્કાલબથી નવાજ્યા હતા ત્યારથી તેઓ આ નામથી પ્રચલિત બન્યા. આ દરગાહમાં દુઆ સાથે મુજાવરો દ્વારા પરંપરાગત ધાર્મિક પધ્ધતિથી દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
W.D

એવું કહેવાય છે કે, હજરત સૈયદ અલી મીરાદાતારના પૂર્વજો બુખારાથી ભારત દેશમાં આવેલા. તેમનો જન્મ મુસ્લીમ તા. 29 રમજાનમાં 879 હીજરી અમદાવાદમાં ખાનપુર વિસ્તારના સૈયદવાડામાં થયો હતો. તેઓ જ્યારે 16 વર્ષના હતા ત્યારે મધ્યપ્રદેશના મોડુગઢ વિસ્તારમાં એક જાદુગરનો જુલ્મ વધી ગયો હતો. કોઇ આ જાદુગરનો મુકાબલો કરી શકતું ન હતું એવો તે મોટો તાંત્રિક હતો. જોકે મીરા દાતારે તેનો ખાત્મો કર્યો હતો અને પોતે 29 સફર, 898 હીજરીના દિવસે શહીદ થયા હતા. બાદમાં તેમને ઉનાવા ગામે દફનાવાયા હતા. ત્યારથી લઇને અત્યાર સુધી આ દરગાહમાં દુઆ માટે શ્રધ્ધાળુઓની લાંબી કતારો રહે છે. એમાંય ખાસ કરીને માનસિક રીતે બિમાર લોકોને સારવાર માટે વધુ લાવવામાં આવે છે. ચમત્કારને કારણે આ દરગાહની મુલાકાત લેનાર અને શ્રધ્ધા રાખનારની તકલીફો દુર થઇ જાય એવી માન્યતા છે.

દુઆ સાથે દવા
રાજ્ય સરકારના સહયોગથી અહીયા હાલમાં દુઆ સાથે દવાનો એક નવો અભિગમ શરૂ કરાયો છે. આ અંગે વિગતો આપતાં સૈયદ છોટુમીયા જણાવે છે કે, દરગાહમાં શ્રધ્ધાપૂર્વક આવતા વિવિધ માનસિક રોગીઓને મુજાવરો દ્વારા અપાતી પરંપરાગત ધાર્મિક પધ્ધતિની સારવારની સાથેસાથે આધુનિક પધ્ધતિથી પણ સારવાર આપવાનું શરૂ કરાયુ છે. અહીં દુઆ સાથે દવાનો અનોખો સંગમ કરાયો છે. અહીંયા દર મંગળવારે નિષ્ણાંત તબીબ દ્વારા દર્દીઓને વિના મૂલ્યે તપાસવામાં આવે છે.
W.D

કેવી રીતે પહોચશો?

વાયુમાર્ગ : દેશની બધી જ મેટ્રો સીટી અને મોટા શહેરોથી તમે અમદાવાદ જઈ શકો છો. ત્યાર બાદ અમદાવાદથી રોડ માર્ગ દ્વારા ત્યાં સુધી પહોચી શકાય છે.

રેલ માર્ગ : ઉનાવા ઉંઝા અને મહેસાણા રેલ્વે સ્ટેશનથી લગભગ 5 કિ.મી. અને 19 કિ.મી. દૂર છે.

રોડ માર્ગ : ઉનાવા દિલ્હી-પાલનપુર-અમદાવાદ માર્ગ પર આવેલ છે. ઉનાવા અમદાવાદ અને પાલનપુરથી લગભગ 95 અને 55 કિ.મી. દૂર છે.