ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ખેલાડીઓના પ્રોફાઈલ
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:08 IST)

ગીત શેઠી

૧૯૬૧માં ૧૭મી એપ્રિલના રોજ દિલ્‍લીમાં જન્‍મેલા ગીત શેઠીને બહુ જ નાની ઉંમરે બીલીયર્ડ અને સ્નૂકરની રમતનું વળગણ લાગ્યું. જો કે તેની નાની ઉંમરના લીધે તેને ક્લબમાં બીલીયર્ડ કે સ્નૂકર રમતા રોકવામાં આવ્યો. જો કે તે અમદાવાદ સ્થાયી થયો તેની સાથે પરિસ્‍િથતિ બદલાઈ ગઇ. ગુજરાત સ્પોર્ટ્સ ક્લબની મેનેજીન્ગ બોડીએ તેને ક્લબનું મેમ્બર ટેબલ વાપરવાની મંજૂરી આપી. ત્યાં તેનો સતીષ મોહન નામના બીલીયર્ડ ખેલાડી સાથે પરીચય થયો. તે વખતે અગ્રગણ્ય બીલીયર્ડ ખેલાડીઓમાંથી એક એવા સતીષ મોહને ગીતમાં રહેલી પ્રતિભા પારખીને તેને આ ક્ષેત્રે કારકિર્દી ઘડવાનું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું.

1979માં ગીતે જૂનીયર લેવલે બીલીયર્ડ અને સ્નૂકર ટાઈટલ હાંસલ કર્યા. તે વખતે ભારતીય બીલીયર્ડમાં માઈકલ ફરેરા અને સુભાષ અગ્રવાલનો દબદબો હતો. ગીતે તેને મળેલી તકનો યોગ્ય ઉપયોગ કરીને માઈકલ ફરેરા અને સુભાષ અગ્રવાલની યશગાથાને આગળ વધારી. ત્રણ વર્ષ પછી 1982માં નેશનલ સીનીયર ચેમ્પિયનશીપમાં ગીતે માઈકલ ફરેરાને હરાવીને સનસનાટી મચાવી દિધી.

1984માં ઈંગ્લેન્ડ ખાતે તેણે ઈન્ટરનેશનલ સ્નૂકર પ્રોફેશનલ કમ એમેચ્યોર ચેમ્પિયનશીપ અને વીન્ડસર ખાતે ઈન્ટરનેશનલ એમેચ્યોર ચેમ્પિયનશીપ પર કબજો જમાવ્યો. 1985માં તેણે નેશનલ સીનીયર ડબલ ચેમ્પિયનશીપ જીતી. આગળ જતા ગીતે આ ટુર્નામેન્ટ પર વધુ ત્રણ વખત પોતાનું નામ લખાવ્યું.

1985માં તેણે દિલ્હી ખાતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં આઠ કલાક લાંબી ફાઈનલમાં 74 વર્ષીય બોબ માર્શલને હરાવી એક મોટો ઉલટફેર કરતા વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી. 1987માં 1985નો વિજય એ તુક્કો માત્ર ન હતો એ વાત પૂરવાર કરતા આયરલેન્ડના બેલફાસ્ટ ખાતે સેમી ફાઈનલમાં સુભાષ અગ્રવાલને અને ફાઈનલમાં જોય ક્રેચને હરાવીને ફરીથી વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી.

બીલીયર્ડ અને સ્નુકરની રમતને ધનીકોની રમત માનવામાં આવે છે, તેમાં ભારત જેવો વિકાસશીલ દેશ પ્રગતિ સાધે તો આનંદ અને આશ્વર્ય થયા વિના ન રહે. ગીત શેઠીએ દેશને આવો જ કંઈક આનંદ અને આશ્વર્ય અનુભવવાનો મોકો પૂરો પાડ્યો છે. જે રમતમાં કોઈ ભારતનું અસ્તિત્વ પણ ન વિચારી શકે તે રમતમાં ગીત શેઠીએ ભારતને અનેક વખત વિશ્વવિજેતા બનાવ્યું છે.

નોંધપાત્ર છે કે, ભારતની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટમાં પણ ભારત અત્યાર સુધી માત્ર એક જ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે અને તે પણ છેક 1983માં. જ્યારે ગીત શેઠીએ બીલીયર્ડમાં ભારતને એકથી વધુ વખત વિશ્વવિજેતા પદ અપાવવાનું ગૌરવ મેળવ્યું છે.

1992થી લઈને 2006 સુધીમાં 6 વખત વર્લ્ડ પ્રોફેશનલ બીલીયર્ડ ચેમ્પિયનશીપ જીતીને ગીત શેઠીએ ભારતને ગૌરવ અપાવ્યું છે. 1985 અને 1987માં વર્લ્ડ એમેચ્યોર બીલીયર્ડ ચેમ્પિયનશીપ જીતીને ગીત શેઠીએ આ રમત પર માત્ર ધનિક દેશોનું જ વર્ચસ્વ છે તે વાત ખોટી પાડી હતી.

ભારતના જાણીતા ખેલાડીઓમાંથી એક એવા ગીત શેઠીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વેબસાઈટો લોન્ચ કરી છે, તેમાં ખેલજગતને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી ખેલાડી.કોમ નોંધપાત્ર છે. 2005માં તેણે પોતાના અનુભવો વાગોળતા સક્સેસ વર્સીસ જોય પુસ્તક લખ્યું.

ભારત સરકારે 1986માં પદ્મશ્રી અને 1992-93માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપીને ગીત શેઠીએ રમતગમતને આપેલ યોગદાનનું સન્માન કર્યું. હાલ ગીત પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ગોલ્ડક્વેસ્ટ નામનું એક અભિયાન પણ ચલાવી રહ્યો છે.