શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ખેલાડીઓના પ્રોફાઈલ
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:08 IST)

મીલ્ખાસીંઘ

ફ્લાઈન્ગ શીખ તરીકે જાણીતા મીલ્ખાસીંઘનો જન્મ 8 ઓક્ટોબર 1935ના રોજ લ્યાલપુર પશ્ચ‍િમ પંજાબ (હાલ પાકિસ્તાનમાં) થયો હતો. ગરીબ પરીવારમાં જન્મેલા મીલ્ખાસીંઘે ભાગલા વખતે તોફાનોમાં તેમના માતાપિતા ગુમાવ્યા તેની સાથે તેમની મુશ્કેલીઓ બેવડાઈ ગઈ. જો કે તે વખતે માત્ર 12 વર્ષીય મીલ્ખામાં સમય પહેલા જ પરીપક્વતા આવી ચૂકી હતી.

આઝાદી મળ્યા બાદ ગરીબી સામે લડતા ભારત દેશમાં રમત ગમત ક્ષેત્રે સારી સુવિધા, કોચ અને વળતર ન હોવા છતાં મીલ્ખાએ તેમના લક્ષ્ય સાથે લેશમાત્ર સમાધાન ન કર્યુ. પરિણામે ભારતને એથલેટીક ક્ષેત્રે મીલ્ખાસીંઘ જેવો પ્રતિભાશાળી તારલો મળ્યો. મીલ્ખા શાળાકાળથી જ એથલેટીક પાછળ ઘેલા હતા.

યુવાન મીલ્ખાને 23 વર્ષની ઉંમરે કટક ખાતે યોજાયેલા પહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં પહેલી વાર તેની પ્રતિભા દેખાડવાની તક પ્રાપ્ત થઈ. ત્યાં તેણે 200 મીટર અને 400 મીટર દોડના રેકોર્ડ ધરાશાયી કરી નાંખ્યાં. તે જ વર્ષે મીલ્ખાએ ટોકીયો ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં 200 મીટર અને 400 મીટરમાં નવા રેકોર્ડ બનાવ્યા અને કાર્ડિફ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. 1958માં તેમના સાતત્યભર્યા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા.

તેમણે પૂર્વ ખેલાડી નિર્મલ સાથે લગ્ન કર્યા. ત્રણ પુત્રી અને એક પુત્રના પિતા એવા મીલ્ખાસીંઘે તેમના બધા જ મેડલ અને બધી જ ટ્રોફીઓ નવી દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમ ખાતે આવેલા રાષ્ટ્રીય સ્પોર્ટ્સ મ્યુઝીયમને દાનમાં આપ્યા છે.

એક વખત લાહોર ખાતે ભારત-પાકના દોડવીરો વચ્ચે સંયુક્ત હરીફાઈ યોજાઈ હતી. ત્યાં મીલ્ખાએ તે વખતે એશિયાના શ્રેષ્ઠ દોડવીર ગણાતા પાકિસ્તાનના અબ્દુલ ખલીકનો 200 મીટર દોડમાં સામનો કરવાનો હતો. ખલીકે 200 મીટર દોડમાં અનેક મેડલ હાંસલ કર્યા હતા. તેમના માટે મીલ્ખાને પરાજીત કરવા ખૂબ જ આસાન હતું. મીલ્ખાએ દોડ શરૂ થયા પહેલા અબ્દુલને કહ્યું ભાગો. તેમના આ શબ્દે ચમત્કાર કર્યો. વધુ પડતા ઉત્સાહને લીધે અબ્દુલે પરાજયનો સામનો કરવો પડ્યો. એનાઉન્સરોએ દોડ પૂરી થયા પછી કહ્યું કે મીલ્ખા દોડ્યા નહોતા પણ ઉડ્યા હતા. અને બસ ત્યારથી જ મીલ્ખસીંઘ ફ્લાઈંગ શીખ તરીકે ઓળખાયા.

બે વર્ષ પછી 1960માં રોમ ઓલમ્પિક્સમાં મીલ્ખાએ શ્રેષ્‍ઠ પ્રદર્શન કર્યુ. તેઓ રોમના સ્થાનિક લોકોમાં ખાસ્સા લોકપ્રિય થયા. તેઓ જ્યારે પણ દોડવા માટે મેદાનમાં ઉતરતા કે સ્થાનિક લોકો તેમના સમર્થનમાં નારાઓ લગાવતા. કારણ, રોમના લોકોએ ક્યારેય આટલા લાંબા વાળવાળો વ્યક્તિ જોયો નહોતો અને તેઓ ભૂલથી મીલ્ખાને સંત માનીને તેનું સમર્થન કરતા.

રોમ ઓલમ્પિકની 400 મીટરની સેમિ ફાઈનલમાં મીલ્ખાએ બીજું સ્થાન પ્રાપ્ત કર્યુ. ફાઈનલમાં મીલ્ખાએ શરૂઆતમાં સરશાઈ મેળવી. પણ આગળ જઈને થોડા ધીમા પડી ગયા. મીલ્ખાનો આ નિર્ણય તેમને ભારે પડ્યો. વિજેતા ઓટીસ ડેવિડે 44.8 સેકન્ડમાં દોડ પૂરી કરી. કોફમાન બીજ અને મેલ સ્પેન્સ 45.5 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યા. જ્યારે મીલ્ખા 45.6 સેકન્ડ સાથે ચોથા સ્થાને રહ્યા. એટલે કે માત્ર 0.1 સેકન્ડના અંતરથી તેઓ બ્રોન્ઝ મેડલ ચૂકી ગયા. છતાય તેમનો આ સમય કોઈ ભારતીય માટે એક નવો રેકોર્ડ હતો. તેમનો આ રેકોર્ડ સતત 38 વર્ષ સુધી અકબંધ રહ્યો.