1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકપ્રિય લોકસભા મતવિસ્તાર
Written By
Last Modified: મંગળવાર, 9 એપ્રિલ 2024 (16:37 IST)

ભરૂચ બેઠક પર 'ભાજપ' અને 'આપ' બાદ 'બાપ'ની એન્ટ્રી, દિલીપ વસાવા ચૂંટણી લડશે

Dilip Vasava to contest election
Dilip Vasava to contest election


ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. કોંગ્રેસ જેવી જ સ્થિતિ હવે ભાજપની દેખાઈ રહી છે. એક તરફ આયાતી ઉમેદવારોના વધામણા અને જુના જોગીઓનો અસંતોષ ભાજપને જીતાડશે કે ડૂબાડશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે. પરંતુ ભરૂચ બેઠક પર ખરાખરીનો જંગ જામશે એ વાત નક્કી છે. ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા સામે કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડવાનો નિર્ણય કરતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને ટીકિટ આપી છે. તે ઉપરાંત આ બેઠક પર અસદુદ્દિન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર પણ ઉભો રાખવાના છે. ત્યારે હવે ગુજરાતમાં વર્ષોથી સક્રિય રહેલા છોટુ વસાવાનો નાનો પુત્ર દિલીપ વસાવા‘BAP'(ભારતીય આદિવાસી પાર્ટી) તરફથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરાઈ છે.

ગુજરાતમાં છેલ્લા 35 વર્ષ સુધી ઝઘડિયામાં એક હથ્થુ શાસન ચલાવનાર પીઢ આદિવાસી નેતા છોટુ વસાવા તેમના નાના પુત્ર દિલીપ વસાવાની ‘BAP' (ભારતીય આદિવાસી પાર્ટી)માં સંયોજક તરીકે જોડાયા છે અને તેઓ ભરૂચ સહિત અન્ય બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારશે એવી જાહેરાત કરી છે.વર્ષ 2023માં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ આદિવાસી નેતાઓ સાથે મળીને ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ની સ્થાપના કરી હતી. તેણે રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક સીટ જીતી હતી. આ પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય થઇ છે. છોટુ વસાવાની લોકસભા ચૂંટણીમાં એન્ટ્રીથી આદિવાસી મત વિભાજીત થવાની શક્યતાઓ વધી છે. આદિવાસી વિસ્તારમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા જેવા દિગ્ગજ નેતાઓ પોતાની કમિટેડ વોટ બેન્કને જો જાળવી રાખે તો ભરૂચ લોકસભા બેઠકનું પરિણામ પણ રસપ્રદ બનશે.

આ બેઠક પર આદિવાસી સમાજના મતદારો ગેમ ચેન્જર સાબીત થઈ જાય છે કારણ કે 30 ટકા જેટલા મતદારો માત્ર આદિવાસી સમાજના જ છે વધુમાં મુસ્લિમ સમાજના 25 ટકા, પાટીદાર સમાજના 12 ટકા, ક્ષત્રિય સમાજના 8 ટકા જ્યારે દલિત સમાજના 5 ટકા સહિત અન્ય 20 ટકા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે.આ બેઠકના રાજકીય રિપોર્ટ પર એક નજર કરીએ તો ભરૂચ લોકસભા બેઠક વર્ષ 1989 થી ભાજપ પાસે છે. ચંદુભાઈ દેશમુખ પછી મનસુખ વસાવાને સતત આ બેઠક પર જનતા આશીર્વાદ આપે છે. કોંગ્રેસના સ્વ. નેતા અહેમદભાઈ પટેલ 3 વખત આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 1962 થી 1984 સુધી આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી.