1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 જુલાઈ 2022 (12:01 IST)

થાઇલેન્ડના લોકોને સંસ્કૃત ભણાવવા યુવતીએ ભારતમાં વેરાવળની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં એડમિશન લીધું

વેરાવળની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અનેક વિદેશી વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણવા આવે છે. ગત વર્ષે ઇરાનના ફારસદ સાલેઝહીએ બીએ સંસ્કૃતમાં એડમીશન લીધું હતું. ત્યારે થાઇલેન્ડની એક યુવતીએ તાજેતરમાંજ એમએ સંસ્કૃતમાં એડમીશન લીધું છે. શૈક્ષણિક વર્ષ 2022-23 માં સોમનાથ સંસ્કૃત યુનિ.માં સંસ્કૃત ભણવા માટે 27 વિદેશી વિદ્યાર્થીઓએ ભારતના વિદેશ મંત્રાલય મારફત અરજી કરી હતી. એ પૈકી 24 ઉમેદવારોની અરજીઓ સંસ્કૃત સિવાયના અન્ય વિષયોની હોઈ અમાન્ય ઠરી હતી. જ્યારે સંસ્કૃત વિષયની 3 અરજીઓ માન્ય રહી છે.આ 3 વિદેશી વિદ્યાર્થીઓમાં થાઇલેન્ડના ઉથોંગ શહેરની હ્યુ-બોનસોરી સોકરીના વીઝા મંજૂર થતાં તેણે એડમીશન મેળવ્યું છે. આ તકે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. લલિતકુમાર પટેલ, કુલસચિવ ડો. દશરથ જાદવ અને સંશોધન અધિકારી ડો. કાર્તિક પંડ્યાએ તેનું સ્વાગત કર્યું હતું. હ્યુ-બોનસોરી બૌદ્ધ ધર્મ પાળે છે. તેના પિતા ખેતી અને માતા ગૃહિણી છે. તેણે થાઇલેન્ડની સિંગપોલા યુનિવર્સિટીમાં થાઇ લેંગ્વેજમાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે.સંસ્કૃત ભાષા પ્રત્યેના લાગાવને લીધે તેની યુનિવર્સિટીના પ્રોફેસરોએ તેને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વિષે માહિતી આપતાં તેણે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી લઇને અરજી કરી હતી. અત્યારે તેને જોકે, હિન્દી નથી આવડતું. આથી યુનિ.નો સ્ટાફ તેની સાથે અંગ્રેજીમાં વાત કરે છે. પોતે સંસ્કૃત ભણીને થાઇલેન્ડમાં સંસ્કૃત ભણાવવા માંગે છે એમ હ્યુ-બોનસોરી સોકરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.