શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated : શનિવાર, 5 ઑગસ્ટ 2017 (12:15 IST)

રક્ષાબંધન એ કાંઇ માત્ર દોરાનું બંધન નથી, તેની શક્તિ અપાર છે

રક્ષા બંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઇ પ્રત્યે, નિર્મળ, નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. રક્ષા બાંધતી વખતે બહેન શુભેચ્છાઓ પાઠવતાં એવી આશા રાખે છે કે ભાઇ તો બહેનની રક્ષા કરશે જ. પરંતુ બહેનની શુભેચ્છાઓ પણ મૂક નથી. એ પણ જાણે બોલી ઉઠે છે કે, 'આ રક્ષા તારા જીવનરાહમાં તારું રક્ષણ કરો.' આ પ્રસંગે ભાઇ-બહેનની એકબીજા પ્રત્યેની લાગણી, ફરજ અદા થાય છે. ભાઇના રક્ષણ નીચે બહેન સમાજમાં નિર્ભયતાથી ફરી શકે એ દ્રષ્ટિએ ભાઇને માથે કેટલી મોટી જવાબદારી છે! બહેનને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે.
 
સંસ્કૃતિના શિરોમણી જેવા આ દિવસને પાંચેક નામથી સંબોધવામાં આવે છે. એ જ એના વિશેષ પ્રભાવના પુરાવારૂપ છે. એના એ નામ કંઇક આ પ્રમાણે છે: (૧) રક્ષા બંધન (૨) શ્રાવણી (૩) બળેવ (૪) નાળીયેરી પૂનમ (૫) સંસ્કૃતિ દિન.
 
(૧) રક્ષાબંધન તહેવારે બહેન ભાઇને રાખડી બાંધી, કપાળે તિલક કરી શુભેચ્છાઓ પાઠવે છે. રાખડી એ ભાઇબહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક છે. રાખડીના તંતુએ તંતુએ પ્રેમ છે, હૃદયની ઉર્મિઓ છે. બહેન ભાઇનું દીર્ધાયુ ઇચ્છે છે. ભાઇનો સંસાર સુખ અને સમૃધ્ધ બને એ અભિલાષા પ્રગટ કરે છે. બહેન પોતાના ભાઇને આ પ્રસંગે જીવનધ્યેય સર કરવા આગ્રહ કરે છે. અલબત્ત, દરેક શુભ કર્મમાં પોતાની સહાયતા હોય જ એવાતની પણ ખાતરી આપી દે છે. પ્રાચીન કાળમાં કુંતી માતાએ ચક્રવ્યૂહમાં જીતાડવા માટે અભિમન્યુને અમર રાખડી બાંધી હતી. બલિરાજા પાસેથી વામન સ્વરૂપ ભગવાનને છોડાવવા સાક્ષાત લક્ષ્મીજીએ પણ બલિરાજાને રાખડી બાંધી હતી. વીરતાની ભૂમિ મેવાડની રાણી કર્મવતીએ પોતાના પર ઉતરી આવેલી આફત વખતે મદદ માગવા મુસલમાન રાજા હુમાયુને રાખડી મોકલી હતી. ઇતિહાસમાં વણાઇ ગયેલી એક કથા પ્રમાણે સિકંદર અને પોરસની લડાઇમાં સિકંદરની પત્નીએ, પોતાના સ્વામિના રક્ષણ માટે પોરસ ઉપર એક રાખડી મોકલાવી હતી. સદૂભાવ, સ્નેહ અને હૃદયપૂર્વકના આશીર્વાદથી વણાયેલો આ તહેવાર એટલે જ રક્ષા બંધન. ગુઢાર્થનો ખજાનો ધરાવતા આ તહેવારો, સંસ્કૃતિનું પાલન સૌ કોઇ હૃદયપૂર્વક અને સમજણપૂર્વક કરે, એ જ વાતનું સૂચન કરે છે. આવો આ ભાવપૂર્ણ તહેવાર માત્ર વ્યવહાર કે રૂઢિચુસ્તતા ન બની જાય એ જ, ખાસ જોવું જોઇએ.
 
(૨) આ પર્વને 'શ્રાવણી' પણ કહેવામાં આવે છે. શ્રવણ નક્ષત્રપ્રધાન આ માસનું નામ શ્રાવણ પડયું છે. ૠગ્વેદીઓ અને યજુર્વેદીઓ માટે યજ્ઞોપવિત ધારણ કરવાનો આ શુભ યોગ બન્યો છે તેથી તેને શ્રાવણી પણ કહે છે. તે દિવસે સમસ્ત દ્વિજબંધુઓ પોતાના વેદ, શાખા, પ્રવર, ગોત્ર પ્રમાણે ચારેય વેદોમાંથી મંત્રોનું ધ્યાન નિષ્ઠાપૂર્વક મનન અને પઠન કરી આચાર્યની ઉપસ્થિતિમાં યજ્ઞોપવિત ધારણ કરે છે. શ્રાવણી એટલે ધર્મશાસ્ત્રના નીતિ-નિયમોના ઉપદેશનું શ્રવણ કરવાનો દિવસ.
 

(સાભાર - સોનલ પાઠક)

(૩) 'બળેવ' શબ્દ કાને પડતાં જ બ્રહ્મત્વના ઉપાસક બ્રાહ્મણો આપણી આંખ સામે આવે છે. આ દિવસે તેઓ દર વર્ષની પ્રણાલિકા મુજબ નૂતન યજ્ઞપવિત ધારણ કરે છે. સ્નાન કરી પૂજાપાઠ કરી શરીર અને મનથી શુધ્ધ થઇ જનોઇ ધારણ કરનારા દ્વિજો ખરા અર્થમાં બીજો જન્મ પામે છે. જન્મે બ્રાહ્મણ એ પહેલો બ્રાહ્મણ અને જનોઇ ધારણ કરતાં બીજા જન્મ જેવો સંસારે બ્રાહ્મણ બને, એ સાચો બ્રાહ્મણ. રૂદ્રાક્ષની માળા તિલક અને ભસ્મનું ત્રિપુંડ ધારણ કરનાર આ દ્વિજ ભગવાન સૂર્યનારાયણ બ્રહ્મતેજની ઉપાસના કરે છે. ત્રિકાળ સંધ્યા, ગાયત્રીમંત્ર, જાપ વગેરે બ્રહ્મતેજને વધારનારા છે. આમ તપસ્વી, જ્ઞાની અને પવિત્ર એવા બ્રાહ્મણો સમગ્ર સમાજના ગુરૂ છે. તેઓ સમાજ અને સંસ્કૃતિની કરોડરજ્જુ છે.
 
જ્ઞાન અને સંસ્કારવાન બ્રાહ્મણો તો સમાજનું સર્વોત્તમ અંગ છે. માનવી દેવૠણ, પિતૃૠણ અને ૠષિૠણ એમ ત્રણ પ્રકારના ૠણથી બંધાયેલો હોય છે. આ ૠણ અદા કરી તે પોતાની ફરજ સરસ રીતે બજાવી સંતોષરૂપી મુકિત પામે છે.
 
(૪) નાળીયેરી પૂનમનો વિચાર આવતાની સાથે જ દરિયો કેડનારા માછીમારો આંખ સામે આવીને ઊભા રહે. ચોમાસામાં દરિયો ગાંડો અને તોફાની બનતો હોવાથી તે સમયે દરિયાઇ માર્ગે ચાલતી વ્યાપાર અને માલની હેરફેરની પ્રવૃત્તિ સંપૂર્ણ સ્થગિત થઇ જાય, પરંતુ શ્રાવણ માસની પૂર્ણિમાથી સમુદ્રનું તોફાન હળવું થાય છે. વરસાદનું જોર પણ નરમ પડે છે એટલે આ પવિત્ર દિવસે માછીમારો, તેમજ વેપારીઓ સમુદ્રમાં નાળીયેર પધરાવી એ સમુદ્રનું વિધિપૂર્વક પૂજન કરી, જાનમાલની સંપૂર્ણ રક્ષા માટે તેની કૃપાની હૃદયપૂર્વક પ્રાર્થા કરે છે. આ દિવસે એ વૈષ્ણવોનો, વેપારીઓનો તો વાહનવટીઓનો પણ આનંદ ઉત્સવ છે. વેપારમાં લાભ મળે અને નુકસાની ન પહોંચે તે માટે સમુદ્રમાં નાળીયેર પધરાવી પૂજાપાઠ કરવામાં આવે છે. હિન્દુઓ ખૂબ પ્રાચીન સમયથી દરિયાઇ વ્યાપાર કરતા આવ્યા છે માટે આ નાળીયેરી પૂનમનો તહેવાર પણ એટલો જ પ્રાચીન છે.
 
(૫) નાળીયેરી પૂનમની વાતની સાથે સાથે સંસ્કૃત સાહિત્ય પણ યાદ આવે. આ દિવસને સંસ્કૃત દિન તરીકે ઉજવવામાં આવે છે. સંસ્કૃત સાહિત્ય એ આપણો બહુમૂલ્ય વારસો છે. છતાં પણ આજે સંસ્કૃત ભાષા ભુલાતી ચાલી છે તે ખૂબ દુ:ખની વાત છે. સંસ્કૃત અને સંસ્કૃતિ એ તો સિક્કાની બે બાજુ જેવાં છે. સંસ્કૃત ભાષામાં ઘણું ઉંડાણ છે. સંસ્કૃતિને જીવંત રાખવી હોય તો આપણે સંસ્કૃતનો સહારો લેવો જ પડે. આમ આ તહેવાર રાષ્ટ્રપ્રેમ, ભ્રાતૃભાવ, સહકાર વગેરે સાવ કેળવી આપણી સંસ્કૃતિને અજવાળે છે.
 
 

સંસ્કૃત ભાષામાં 'ભારત' શબ્દનો અર્થ વ્યાકરણ પ્રમાણે ભા+રત એટલે કે જ્ઞાનમાં રત એવો થાય છે. આવા લોકો તેજપૂર્ણ ધ્યાનમાં તલ્લીન થઇ જતા હોય છે એટલે સર્વપ્રકારે જાગૃત બને છે. જે દેશની પ્રજા જ્ઞાન, ધ્યાન, સૌંદર્ય અને ભાનમાં રત હોય, જાગૃત હોય તે પ્રજાના સંસ્કાર ચારિત્ર્ય ઘડતર અને માનવતાની ભાવના વગેરે ખૂબ જ ઉંચા હોય છે. એનામાં દેવી સંસ્કારો હોય છે. એ સંસ્કારો જ દેશને સફળતાને શિખરે લઇ જાય છે.રક્ષા બંધનની વાત પૂરી કરતાં પહેલાં એક વાત ખાસ નોંધવાનું મન થાય. દેવ અને દાનવો વચ્ચે ભયંકર યુધ્ધ થયું. આ યુધ્ધમાં દાનવ પક્ષ વધારે બળવાન જણાવા લાગ્યો. આથી દેવોના રાજા ઇન્દ્રે પોતાના ગુરુ બૃહસ્પતિને દરબારમાં તેડાવ્યા. તેમની સલાહ લીધી. તે જ વખતે ઇન્દ્રાણી પણ ત્યાં હાજર હતાં. બૃહસ્પતિ કંઇ બોલે તે પહેલાં ઇન્દ્રાણીએ કહ્યું, 'યુદ્ધમાં દેવોને વિજયની ખાતરી શી રીતે આપવી તેની મને ખબર છે. હું તમને વચન આપું છું કે આપણા જીતીશું.' બીજો દિવસ શ્રાવણની પૂર્ણિમાનો દિવસ હતો. ઇન્દ્રાણીએ પવિત્ર ધર્મગ્રંથોમાં લખ્યા પ્રમાણે એક માદળીયું તૈયાર કરાવી પતિને હાથે બાંધ્યું. આશ્ચર્યની વાત તો એ બની કે જેવા ઇન્દ્ર યુધ્ધ ભૂમિમાં પ્રવેશ્યા કે દાનવો ત્યાંથી વેરવિખેર થઇ ગયા. દાનવોનો પરાજય થયો અને દેવો વિજયી બન્યા. બસ, ત્યારથી રક્ષા બંધનનો પવિત્ર તહેવાર શરૂ થયો.
 
સાચે જ રક્ષા એ કેવળ સૂતરનો દોરો નથી, એ તો છે શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ સંયમની મહત્તા સમજાવતું પવિત્ર બંધન! પૂ. શ્રી પાંડુરંગ આઠવલે શાસ્ત્રીજીએ પણ કહ્યું છે, 'ત્યાગઅને શ્રદ્ધાના છેડા, ભકિત ગાંઠ બંધાઇ, નિરપેક્ષ બાંધવબહેનીની, સાચી પ્રેમસગાઇ!'
 
'સૂતરને તાંતણે સ્નેહની છે ગાંસડીં, ભાઇને બહેનડી બાંધે છે રાખડી, ઝાઝેરા મોલ નહીં તો યે અનમોલ છે, ભાઇ ને બહેનનો પ્યાર અનમોલ છે.'
ભોગવાદી જીવનમાં ભાવજીવનની મધુર સુગંધ ફેલાવી જાય છે. આ તહેવાર રક્ષાબંધન. જાણે ખારા સમંદરની વચ્ચે કયારેક જોવા મળતી વીરડી! સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે સીમારેખા દર્શાવી જાય છે આ તહેવાર. સભ્યતા ગમે તેટલી બદલાશે પણ સંસ્કૃતિ એની એ જ રહે છે, એવી પ્રતીતિ કરાવી જાય છે આ રક્ષાબંધન. દુનિયાની બીજી કેટલીયે સંસ્કૃતિઓ નામશેષ બની ગઇ છે. ત્યારે ભારતીય સંસ્કૃતિના આ અને આવા તહેવારોને લીધે હજી નામનિશાન હજુ બાકી છે. એ ભાવનાને મૂર્તિમંત કરે છે આ તહેવાર.
 
જો કે આ તહેવારને ઐતિહાસિક મહત્ત્વ પણ એટલું જ પ્રાપ્ત છે. રાણી કર્માવતી પર દુશ્મનોનો હુમલો થયાય છે ત્યારે આ હિન્દુ નારી પોતાના માનેલા મુસલમાનભાઇ મોગલ સમ્રાટ હુમાયુને યાદ કરે છે. નાતજાતના સંબંધોની દિવાલ તોડીને સ્નેહના બંધ બાંધવાનું કામ કરે છે આ તહેવાર. આ રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઇ-બહેનના સંબંધ પૂરતો જ મર્યાદિત નથી. સાત કોઠાનું યુધ્ધ લડવા જતા અભિમન્યુનું રક્ષણ કરવા કુંતા માતાએ તેના કરકમળમાં રાખડી બાંધી હતી. દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય માટે ઇન્દ્રાણીએ ઇન્દ્રના હાથમાં રક્ષા બાંધી હતી. આજના સમયમાં પણ રક્ષાબંધન અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. જેલમાં રક્ષાબંધન ઉજવીને કેદીઓના માનસ પરિવર્તનના પ્રયોગો થાય છે. કોલેજના યુવક-યુવતીઓ પણ નવો ચીલો પાડીને આ તહેવાર ઉજવે છે. જેના યશસ્વી પ્રયોગો સોમૈયા કોલેજમાં થઇ ચૂકયા છે.
 
રક્ષાના આ નાનકડા તંતુમાં જબરદસ્ત શકિત સમાયેલી છે. લોખંડની મજબૂત બેડીને તોડી શકનાર ભાઇ-બહેને બાંધેલી એ નાનકડી રાખડીના બંધનને તોડી શકતો નથી.
 
સામાજિક દ્રષ્ટિએ આ તહેવારનું મહત્ત્વ કંઇક ઓર છે. રક્ષાબંધન એટલે 'દ્રષ્ટિ પરિવર્તન'નો તહેવાર! માથા બદલવાનો તહેવાર (માથા કાપવાનો નહીં) પુરૂષ સમોવડી બનવા મથતી આજની નારીને શું ખરેખર રક્ષણની જરૂર છે? બીજાઓને પહોંચી વળતી આ બહેનોને રક્ષણની જરૂર ન હોય તો પછી રક્ષા બંધનની શી જરૂર? પણ એને રક્ષણની જરૂર છે અને તે પણ 'કહેવાતી' પોતાની વ્યકિતઓથી. આ બહેન જે જગ્યાએ રહે છે, જે જગ્યાએ કામ કરે છે ત્યાં જ એને આ કહેવાતી 'નજીકની' વ્યકિતઓની ભોગવાદી નજરોનો ભોગ થવું પડે છે. ન કહેવાય, કે ન સહેવાય, એવી તેની સ્થિતિ થાય છે. કારણ કે બહારથી આવી વ્યકિતઓ 'પ્રતિષ્ઠાકવચ' ધારી હોય છે? ત્યારે આવી બહેનની મદદે આવે છે આ રાખડી. આવી વ્યકિતને રાખડી બાંધી બહેન આ ભાઇને પરોક્ષ રીતે કહી જાય છે કે જગતની આંખો સામે તો એ લડી લેશે પણ તારી આંખોની દ્રષ્ટિ હવે બદલવી પડશે. રાખડી બાંધવાની સાથે મસ્તક પર તિલકની ક્રિયા પણ કંઇક આવું સૂચવે છે. ભોગવાદી દ્રષ્ટિકોણ છોડીને ત્રીજી પવિત્ર આંખ આપી બહેને તેને 'ત્રિલોચન' બનાવે છે. દ્રષ્ટિ પરિવર્તનનું કેટલું ઉત્તમ સાધન! માથું કાપવાને બદલે માથું બદલવાનું કામ કરી જાય છે આ રાખડી! તેથી હળવા મજાકમાં કહેવાયેલી આ શાયરી પણ કંઇક આવું જ સૂચવી જાય છે. 'રુમઝુમ કરતી આયી, રુમઝુમ કરતી ચલી ગઇ, મૈં સિંદુર લેકે ખડા થા, વો રાખી બાંધકર ચલી ગઇ.'
 
'જગતની સર્વ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' એની સાક્ષીરૂપ આ ઉત્સવ નિર્દોષ, નિર્મળ સંબંધોની સીમાચિહ્ન છે. લાગણીઓના પૂરમાં તણાતી બહેન હૃદયના અનેરા રંગથી ભાઇને હાથાં રાખડી બાંધે છે. ભાઇ-બહેન એકબીજાને મીઠું મોઢું કરાવે છે. કોઇક ઠેકાણે તો બહેન ભઇલાની આરતી પણ ઉતારે છે એવું વીરલ દ્રશ્ય પણ જોવા મળે છે. ત્યારબાદ ભાઇ પગે લાગવું અને બહેનના આશીર્વાદ આપવા આ બધું પ્રસંગની ગરિમાને ચાર ચાંદ લગાવી જાય છે. આ પ્રસંગે ભાઇ પણ પ્રતિકરૂપે નાનકડી ભેટ આપીને કહેવા માગે છે કે સમય આવ્યે તે કોઇ પણ કિંમત ચૂકવવા તૈયાર હશે.

પંજાબ પ્રાંતમાં બનેલી આ સત્ય ઘટના આ બાબતનું સમર્થન કરે છે.
પંજાબના સૂમસામ રસ્તા પરથી એક બસ જઇ રહી છે. જેમાં દાગીનાઓથી મઢેલી નવી જ પરણેલી યુવતી પોતાના પતિ સાથે પિયરે જઇ રહી હતી. અપાયેલી કડક સૂચના પ્રમાણે બધા માલ-મિલકત તેમને સુપરત કરે છે. જેમાં આ યુવતી પણ બધા દાગીના ડાકુઓને હવાલે કરે છે. પણ ડાકુઓ આટલેથી અટકતા નથી. એમની ભોગી લાલચુ નજર આ યુવતીના શરીર પર પડે છે. તેનો હાથ પકડીને, ખેંચીને, ઘસડીને તેને બસમાંથી બહાર લઇ જવાનો તેઓ પ્રયત્ન કરે છે. બચાવ કરવાનો પ્રયત્ન કરતા પતિને હડસેલીને ઘાયલ કરવામાં આવે છે. યુવતી બસમાં બેઠેલા બીજા પુરૂષોને આ નરાધમોથી બચાવવા કરૂણ યાચના કરે છે. પણ કોઇ મર્દનો બચ્ચો આ ડાકુઓનો સામનો કરવા ઊભો થતો નથી. આ બસમાં એક લબરમૂછીયો યુવાન પણ હતો અને મૂછનો દોરો હજી માંડ ફુટયો હશે. પણ તેનાથી આ દ્રશ્ય જોવાતું નથી. યુવતીના શરીર સાથે થતી અસભ્ય છેડછાડ આ યુવાન માટે અસહ્ય બની ગઇ. એનું લોહી તપી ઉઠયું. આંખના પલકારામાં આ નિશસ્ત્ર યુવાન ઊભો થયો અને એક ડાકુને સિફતપૂર્વક ધક્કો મારીને તેની બંદુક ઝૂંટવી લે છે. ત્રણ-ચાર બંદુકધારી ડાકુઓ સામે આ એકલો યુવાન જંગે ચડે છે, પેલા સાત કોઠાના યુધ્ધમાં એકલા લડતા અભિમન્યુની માફક. છેવટે આ યુવાન ઢળી પડે છે પણ તે પહેલા બે ડાકુઓને ભોંય ભેગા કરે છે અને બાકીના બે એક ભાગી છૂટે છે. પેલી બહેન આ ભાઇના નિશ્ચેતન શરીર પાસે બેસે છે. તેનું માથું ખોળામાં લે છે. આ ભાઇના લોહીથી કપાળમાં ચાંદલો કરે છે અને હૃદયની વ્યથાને શબ્દોનું રૂપ આપે છે. ભાઇ! આજે તું ન હોત તો આ નરાધમોએ તારી અણદેખેલી બહેનને પીંખી નાંખી હોત. ભાઇ! કોઇક ગયા જનમનું બાકી રહેલું ૠણ ચૂકવવા તે આટલી મોટી કુરબાની આપી!'
 
થોડી ક્ષણો પહેલા આ યુવતી માટે આ બન્ને પુરૂષો અજાણ્યા હતા. પણ હવે એકના શીરને તે ખોળામાં લે છે જ્યારે બીજા માટે છે નરી નફરત! બન્ને પુરૂષોની નજર કદાચ આ યુવતીના શરીર પર પડી હશે પણ બન્નેની દ્રષ્ટિમાં કેટલો ફેર! એક આંખો વાસનાનો શિકાર હતી જ્યારે બીજી આંખો આવી આંખોને ફોડી નાખવા માંગતી હતી જ્યારે ફરીવાર આવી વિકૃત નજર બહેનના શરીર પર ન પડે. આવા સંબંધોનું અમલીકરણ એટલે જ રક્ષા બંધન!