શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (19:23 IST)

ગુજરાત રાજ્ય સરકારના ચોપડે કોવિડથી 10099 લોકોના નિધન

સરકારે રાજ્યમાં કોવિડથી મૃત્યુ પામેલ 22,000 મૃતકોના વારસદારોને રૂ 50,000 સહાય ચુકવી
 
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે 38 હજાર જેટલી કુલ અરજીઓ અત્યાર સુધી આવી
 
કોરોનાના કારણ કેટલા લોકોનાં મોત થયાં? આ સવાલ શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે. સરકારી આંકડાઓ અને વાસ્તવિક આંકડાઓમાં ફરક હોવાની ચર્ચા સતત ચાલતી જ રહી છે અને હજુ પણ ખરેખર કોરોનાએ કેટલા લોકોનો ભોગ લીધો એ ચર્ચાનો વિષય છે. ત્યારે સરકારે રાજ્યમાં કોવિડથી મૃત્યુ પામેલ 22,000 મૃતકોના વારસદારોને રૂ 50 હજાર સહાય ચુકવી છે. બીજીતરફ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, 38 હજાર જેટલી કુલ અરજીઓ અત્યાર સુધી આવી છે. પરંતુ સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં કોરોનાથી 10,099 લોકોના મોત થયા છે જે બાદ ફરીએકવાર કોરોના મૃતકોના મોતના આંકડાઓ પર સવાલો ઉભા થયા છે.
 
ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, નામદાર સર્વોચ્ચ અદાલતે કોવિડ મુત્યુની વ્યાખ્યામાં કરેલા ફેરફાર અન્વયે ગુજરાતમાં કોવિડ અને કોવિડ પોઝિટીવ આવ્યા બાદ 30 દિવસમાં હાર્ટએટેક કે અન્ય કોઇ કારણસર મૃત્યુ પામનાર લોકોને પણ કોવિડ મૃત્યુ ગણવા જેથી આવા લોકોને પણ સહાય આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતના આદેશ અન્વયે પહેલ કરીને અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી પહેલા 22 હજાર જેટલા લોકોના ખાતામાં DBT દ્વારા પ્રતિ વ્યક્તિ રૂ.50 હજારની સહાય જમા કરાવી છે.
 
કોવિડ ટેસ્ટ પોઝિટીવ બાદ 30 દિવસમાં હાર્ટએટેક કે અન્ય કોઇ કારણસર મૃત્યુ પામેલા વારસોને નિયત કરેલા માપદંડ મુજબ રાજ્ય સરકાર રૂ.50,000ની સહાય આપવા કટિબદ્ધ છે. આ સહાય માટેના ફોર્મ તમામ હોસ્પિટલ્સ તેમજ કલેક્ટર કચેરીઓ ખાતે ઉપલબ્ધ છે. આ ફોર્મ ઓનલાઇન અથવા ઓફલાઇન પણ ભરી શકાય છે તેમ પણ મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યુ હતું.
 
કોરોના સહાય માટે 11 ડિસેમ્બર સુધી 43 હજારથી વધુ ફોર્મ વહેંચાઇ ગયા હતા. જેમાથી 26 હજારથી વધારે ફોર્મ તો ભરાઇને પણ પરત આવી ગયા હતા અને 17 હજારથી વધારે લોકોને સહાય પણ ચુકવાઇ ગઇ છે. ચાર મહાનગરોવાળા જિલ્લાઓમાં સૌથી વધારે ફોર્મ વહેંચાયા હતા. અમદાવાદ શહેર-જિલ્લામાં 10 હજારથી વધારે ફોર્મ વહેંચાયા હતા, જેમાંથી 5200થી વધુ ભરાઇને પરત પણ આવી ગયા હતા. વડોદરા શહેર-જિલ્લામાં 3 હજારથી વધારે ફોર્મ સામે 1500 ભરાઇ ગયા હતા. સુરતમાં ચાર હજારથી વધારે ફોર્મ લોકો લઇ ગયા છે જ્યારે 1700થી વધુ ભરાઇ ગયા છે