મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 એપ્રિલ 2021 (08:51 IST)

5 કલાકમાં 13 વર્ષના ધ્રુવને ભરખી ગયો કોરોના, પરિવાર માટે આભ તૂટી પડ્યું

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ લહેરમાં લક્ષણો દેખાતા નથી પરંતુ જીવલેણ નીવડે છે. હવે મોટી સંખ્યામાં બાળકોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યાં છે.  ત્યારે લક્ષણો વગરના કોરોનાએ સુરતમાં એક બાળકનો ભોગ લેવાયો છે. આ બાળકમાં કોરોનાના કોઈ જ લક્ષણ નહોતા. અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનો એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.
 
મળતી માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ભવાની બિલ્ડિંગમાં ભાવેશભાઇ કોરાટ એબ્રોઇડરીના મશીનનું કારખાનું ચલાવે છે. રવિવારે તેમના 13 વર્ષના બાળક ધ્રુવની લથડી હતી. જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનો રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવતાં માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ માત્ર 5 કલાકમાં જ ધ્રુવનું મોત નિપજ્યું હતું. 
 
અત્રે મહત્વની અને ચોંકાવનારી વાત એ છે કે, ધ્રુવને કોરોનાના કોઈ લક્ષણો ન હતા. જો સમયસર કોરોનાના લક્ષણ જોવા મળ્યા હોત તો તેનો જીવ બચી શક્યો હોત. ધ્રુવને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે તે ખૂબ ગંભીર હાલતમાં હતો, તેને તરત જ વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યો હતો. તેમ છતાં ધ્રુવ બચી શક્યો ન હતો. 
 
સુરતમાં હાલ એક 10 વર્ષનો બાળક પણ સારવાર હેઠળ છે. તો બીજી તરફ, સુરતમાં ખાનગી હોસ્પિટલમાં 1885 બેડ ફૂલ થઈ ગઈ છે. માત્ર 200 બેડ ખાલી ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જોકે તંત્રએ રેકર્ડ પર માંડ 30 મોત બતાવ્યા છે. આગામી 10 દિવસમાં જો સ્થિતિ કાબુમાં નહીં આવે તો સુરત શહેરમાં તબીબી માળખું ભાંગી પડવાના આસાર ડોક્ટરોએ વ્યક્ત કર્યા છે.