મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2023 (12:52 IST)

સુરતની સચિન GIDC ખાતે કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં વિકરાળ આગથી 24 કામદારો દાઝ્યા

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગના પગલે સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ત્રણથી વધુ ગાડી દોડી ગઈ  અને ફાયરના જવાનો દ્વારા આગને કાબુમાં કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ આગમાં 24 કામદારો દાઝ્યા હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે સચિન GIDC વિસ્તારમાં એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગત રાત્રે 2 વાગ્યે અચાનક આગ લાગી હતી.કંપનીમાં કામ કરતા કામદારો અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાઈટરો સાથે પહોંચ્યા હતા. ફાયરના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી. આ ઘટનામાં 24 કામદારો દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે મીડિયાને જણાવ્યું હતું કે, એથર ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આ ફેક્ટરીમાં કેમિકલ બનાવવાનું કામ થાય છે.  સ્ટોરેજ ટેન્કમાં લીકેજ હોવાના કારણે આગ લાગી છે. અંદાજે 24 જેટલા કામદારો દાઝી ગયા છે, તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે અને હવે કૂલિંગની કામગીરી ચાલી રહી છે.