ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6 લોકોના હાર્ટ એટેકથી મોત, અમદાવાદ, સુરત અને રાજકોટમાં કેસ
ગુજરાતમાં સતત વધી રહેલા હાર્ટ એટેકથી મોતના કિસ્સાથી લોકો ભયભીત બન્યાં છે. રાજ્ય સરકારે આ માટે નિષ્ણાંત ડોક્ટરોની કમિટી પણ બનાવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે 6 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. તે ઉપરાંત મોરબીમાં પણ હાર્ટ એટેકથી મોત થયાનો કેસ સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6 લોકો હાર્ટ એટેક આવવાથી મોતને ભેટ્યાં છે. જેમાં રાજકોટમાં બે, અમદાવાદમાં એક અને વડોદરામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. અમદાવાદમાં બુકબાઈડિંગ માટે આવેલા 40 વર્ષીય હસમુખ પંચાલ નામના વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવતાં તેઓએ નીચે ઢળી પડ્યા હતા. આસપાસ રહેલા લોકો દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મોરબીના વાંકાનેરમાં પણ આવો એક કેસ સામે આવ્યો છે. જયારે રાજકોટમાં થોરાળાના ગોકુલપરાના 38 વર્ષીય ગુણવંત ચાવડા નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જ્યારે ગોવિંદનગરના ખાતે રહેતા 53 વર્ષીય પરસોત્તમ જાદવ પણ હાર્ટ એટેકને કારણે અવસાન પામ્યાં છે. વડોદરામાં ખાનગી કંપનીમાં HR વિભાગમાં નોકરી કરતા ભરત સુથારને બુધવારે સવારે પીઠમાં દુઃખાવો થતાં તેઓએ તેમના પત્નીને જાણ કરી હતી. જે બાદ તેઓએ દુઃખાવાની દવા લીધી હતી. ત્યાર બાદ તેઓ નોકરીએ ગયા હતા. નોકરી દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ સહકર્મીઓ તેમને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા