બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (13:07 IST)

DGPનો આદેશઃ વાહન પર પોલીસ લખેલી નેમપ્લેટ હશે તો દંડ થશે, કારમાંથી બ્લેક ફિલ્મ કાઢવી પડશે

vehicle has a police nameplate
vehicle has a police nameplate
રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં એક પરિપત્ર કરીને પોલીસ કર્મીઓને આદેશ આપી દેવાયા
 
 ગુજરાતના પોલીસ વડાનો ચાર્જ સંભાળ્યા બાદ DGP વિકાસ સહાયે હવે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવાના આદેશ આપી દીધા છે. તેમણે પરિપત્ર કરીને નિયમોનું પાલન નહીં કરતા પોલીસ કર્મચારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ કર્મીઓ સુધરે ત્યાર બાદમાં લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે. પોલીસ કર્મચારીઓને કોઈ કાયદો લાગુ પડતો નથી તેવુ વિચારીને તે ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે હવે પોલીસ ખુદ પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરે તેવી સ્થિતિ સર્જાઇ છે. 
 
વાહનચલાકો પણ નિયમોની ઐસીતૈસી કરે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે કરેલા પરિપત્રમાં પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે, આ સિવાય પોલીસ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવાના પણ આદેશ આપી દેવાયા છે. રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે કોઈ પોલીસનો કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે, જેના કારણે પોલીસની છબી ખરડાઇ છે.પોલીસની ટ્રાફિકના નિયમો તોડવાની નીતિના ઘેરા પ્રત્યાઘાત પડતા હોય છે અને વાહનચલાકો પણ નિયમોની ઐસીતૈસી કરતા હોય છે.
 
પોલીસ કર્મચારીઓએ પણ હવે બ્લેક ફિલ્મ કાઢવી પડશે
અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે, જેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બને છે. આવી સ્થિતિમાં જો પોલીસ કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો કામગીરી સરળ બની શકે છે. આજથી જો કોઇ પોલીસ કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.રાજ્યના પોલીસવડાએ કરેલા આદેશ બાદ પોલીસની કાર પરથી બ્લેક ફિલ્મ હટી જશે. ક્રાઈમ બ્રાંચ, એટીએસ, એસઓજી સહિતની પોલીસની એજન્સીઓમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ બ્લેક ફિલ્મવાળી કારનો ઉપયોગ કરે છે. જોકે, હવે ફરજિયાત પોલીસ કર્મચારીઓને પણ હવે બ્લેક ફિલ્મ કાઢી નાખવી પડશે.