1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 એપ્રિલ 2022 (18:11 IST)

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ સહિતના મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેક્ટસને લઇ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઇ ઉચ્ચસ્તરિય બેઠક

cm bhupendra
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશે ગુજરાતના રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટસમાં રાજ્ય-કેન્દ્રના સુચારૂ સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. 
 
પી.એમ.ગતિશક્તિના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે ત્યારે ડી.એફ.આઇ.સી. હાઇસ્પીડ રેલ પ્રોજેકટ, રાજ્યમાં વિવિધ રેલ્વે લાઇનના ગેજ રૂપાંતરણ અને રેલ્વે ઓવરબ્રીજ તેમજ ઇલેકટ્રીફિકેશનના જે નાના-મોટા પ્રશ્નો છે તેનું ત્વરાએ પરસ્પર સંકલનથી નિવારણ લાવવાની દિશામાં આ બેઠક ફળદાયી બનશે. રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબહેને ગુજરાતને કેન્દ્ર અને રાજય સરકાર એમ  ડબલ એન્જીનની સરકારનો  ફાયદો મળે છે ત્યારે  મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટ્સ નિર્ધારિત સમય અને ત્વરિત ગતિએ પૂરા થાય તેવી સ્પષ્ટ હિમાયત કરી હતી. 
 
આ હેતુસર કેન્દ્રીય રેલ્વે મંત્રાલયના સંબંધિત અધિકારીઓ તથા રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે માસિક સમીક્ષા બેઠક યોજવા તેમણે અનુરોધ કર્યો હતો. અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ અન્વયે ગુજરાતમાં ૯૮.૭ ટકા જમીન સંપાદન કાર્ય રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના સક્રિય સહયોગથી પૂર્ણ થઇ ગયું છે તેની કેન્દ્રીય મંત્રીએ સરાહના કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કર્યો હતો.
 
રેલ રાજય મંત્રી દર્શનાબહેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આગામી દિવસોમાં તેમના સુરત, ભરૂચ, નવસારીના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન આ હાઇસ્પીડ રેલની જે કામગીરી થઇ રહી છે તેની પ્રગતિ નિહાળવા સ્થળ મુલાકાત કરવાનું પણ નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં અધિકારીઓને જણાવ્યું કે, રાજ્ય-કેન્દ્ર વચ્ચેના રેલ્વે સંબંધિત જે પેન્ડીંગ ઇસ્યુ હોય તેનું નિવારણ એકબીજા સાથે સમજુતી અને ચર્ચા-વિચારણાથી આવે તેવું વાતાવરણ ઊભું થવું જોઇએ.
 
સંદર્ભમાં તેમણે મુખ્ય સચિવ પંકજકુમારને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર, રેલ્વે ઓવરબ્રીજમાં રાજ્ય-કેન્દ્રની ભાગીદારી સહિતના જે વિવિધ પ્રશ્નો છે તેના માટે ઇન્સ્ટીટયુશનલાઇઝડ વ્યવસ્થા ઊભી કરી એક માસ પછી સમગ્ર પ્રશ્નોના નિરાકરણની સમીક્ષા કરવા સૂચન કર્યુ હતું. આ બેઠકમાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઇ મોરડીયા તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને રેલ્વે મંત્રાલયના તથા વેસ્ટર્ન રેલ્વે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન, ડી.એફ.આઇ.સી.ના વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી થયા હતા.