રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 જૂન 2021 (19:50 IST)

17 વર્ષના સગીર સાથે ત્રણ સંતાનોની માતા ભાગી ગઈ, શારીરિક સંબંધ બાંધ્યો તો મહિલા સામે રેપની ફરિયાદ થઈ

અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં રહેતી 3 દિકરીઓની 24 વર્ષની માતાને 17 વર્ષના સગીર સાથે પ્રેમ થયો હતો. પરીણિતા સગીરને સંતરામપુર ભગાડી ગઈ હતી. બંનેના સ્વજનોએ તેમની શોધખોળ કરતાં હાથ નહીં લાગતાં પોલીસનો સહારો લીધો હતો. બંને પ્રેમીઓએ સંતરામપુરમાં સેક્સ સંબંધ બાંધ્યો હતો. પોલીસને બંને જણા સંતરામપુરમાં હોવાની જાણ થતાં જ પોલીસ તેમને અમદાવાદ પકડી લાવી હતી. આ કેસમાં પરીણિતા સામે બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના ખોખરા હાટકેશ્નર વિસ્તારમાં રહેતી સોનલના લગ્ન થઈ ગયાં હતાં. લગ્ન બાદ તેને ત્રણ દિકરીઓ અવતરી હતી. સોનલનો પતિ તેની પર સતત શંકા કરતો હતો. શંકાના કારણે સોનલ સતત પરેશાન રહેતી હતી. આ દરમિયાન 17 વર્ષની ઉંમરનો સગીર વયનો રાજીવ ( નામ બદલ્યું છે) સોનલના સંપર્કમાં આવ્યો હતો. સોનલ સતત દુઃખી રહેતી હતી અને રાજીવ જ્યારે તેને મળતો ત્યારે તેની પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરતી હતી. રાજીવ તેની વાતને શાંતિથી સાંભળતો હતો. ત્યારે સોનલને એમ લાગ્યું કે રાજીવ તેના જીવનમાં સહારો બનીને આવ્યો છે.

એક દિવસ સોનલ અને રાજીવે ભાગી જવાનું નક્કી કર્યું હતું પણ તેમની પાસે પૈસા નહોતા. આ દરમિયાન રાજીવે 350 રૂપિયાની વ્યવસ્થા કરી હતી. બાદમાં બંને જણા બસમાં બેસીને મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં પહોંચ્યા હતાં. જ્યાં રોકાવા માટે પણ પૈસા નહીં હોવાથી રાજીવે તેનો ફોન 500 રૂપિયામાં વેચી માર્યો હતો. બંને જણા સંતરામપુરમાં રોકાયા હતાં અને શારીરિક સંબંધ બાંધ્યા હતાં. આ સમયે રાજીવ અને સોનલને તેમના પરિવારજનો શોધતા હતાં. પરંતુ તેમની ભાળ નહીં મળતાં આખરે પોલીસનો સહારો લીધો હતો.

પોલીસને બંને સંતરામપુરમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે બંને પકડવા માટે સંતરામપુરની વાટ પકડી હતી. બંને જણા પોલીસના હાથે લાગી ગયાં હતાં. પોલીસ સંતરામપુરથી બંનેને લઈને અમદાવાદ આવી પહોંચી હતી. ત્યારે રાજીવ સગીર વયનો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ અંગે મણીનગર પોલીસ સ્ટેશનના PI બી.બી. ગોયલે જણાવ્યું હતું કે સગીર હોવાથી મહિલા સામે બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો દાખલ થયો છે. જે અંગે હાલ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યાં છે.