શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 માર્ચ 2023 (22:55 IST)

રાજકોટમાં ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની અચાનક ઢળી પડતાં મોત

રાજકોટમાં ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની અચાનક ઢળી પડતાં મોત, ચાર દિવસથી બિમાર હતી
રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં સવારે અને રાત્રે ઠંડી તો બપોરના સમયે અસહ્ય ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. જેના કારણે શહેરમાં રોગચાળાનો ઉપદ્રવ વધવા પામ્યો છે. જેમાં શરદી-ઉધરસ, તાવ અને ઝાડા-ઊલટીના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકીને ગઈકાલે તાવ ચડ્યા બાદ મોડી રાત્રે ઊલટી થઈ હતી અને તેણીનું સવારે બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગૌતમનગર શેરી નં.2 માં રહેતા શ્રમિક પરિવારની પુત્રી રાધિકા રાય (ઉ.વ.11) આજે વહેલી સવારે પોતાના ઘરે ઊઠ્યાં બાદ તરત બેભાન હાલતમાં ઢળી પડી હતી. જેથી તેણીને તુરંત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં હાજર ફરજ પરના તબીબે રાધિકાને મૃત જાહેર કરી હતી.બનાવની જાણ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા ગાંધીગ્રામ પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. બાળકીના મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. જો કે પ્રાથમિક તારણમાં ઊલટી થવાના કારણે મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.રાધિકા અને તેનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે. તેમના પિતા કલરકામ કરે છે. રાધિકા બે ભાઈની એકની એક બહેન હતી. રાધિકા ધોળકિયા સ્કૂલમાં ધો.4માં અભ્યાસ કરતી હતી. તેણીને ચારેક દિવસથી તાવ આવતો હતો. તેની દવા પણ ચાલુ હતી ત્યારે ગઈ કાલે તેમને રાત્રીના ઊલટી થયાં બાદ તાવ ચડ્યો હતો અને સવારે જાગ્યા બાદ તેણી તુરંત ઢળી પડી હતી