શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 એપ્રિલ 2021 (07:14 IST)

અમદાવાદ બાદ હવે પાટનગરમાં પાન-પાર્લર બંધ રાખવાનો આદેશ, બંધાણીઓમાં બૂમ પડી

ગાંધીનગર જિલ્લામાં આવેલા તમામ પાનના ગલ્લાઓ અને પાન – પાર્લરો તા. ૧૩ એપ્રિલ, ૨૦૨૧ થી તા. ૩૦મી એપ્રિલ, ૨૦૨૧ દરમ્યાન સંપૂર્ણ બંધ રાખવા માટેનો આદેશ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ કર્યો છે.
 
ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જાહેરનામાં જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાં નોવેલ કોરોના વાયરસ (COVID-39) ફેલાયેલ છે કે જેને WHO વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ (CoVID–19) ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા તથા કેટલીક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. 
 
હાલમાં કોવિડ-૧૯ ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી જાહેર હિતમાં કોરોના સંક્રમણને અટકાવવા પગલાં લેવા અત્યંત જરૂરી જણાય છે.પાન-મસાલા, તમાકુ આદિના સેવન તથા પાનના ગલ્લાંઓ પર થતી ભીડના કારણે કોરોના સંક્રમણ થવાની શક્યતા ખુબ જ વધી જાય છે. 
 
જેના અનુસંધાને નોવેલ કોરોના વાયરસ COVID-19 ના ઝડપી સંક્રમણને ફેલાતું અટકાવવા, જાહેર આરોગ્ય અને સુખાકારી માટે આગામી તા. ૧૩ થી ૩૦મી એપ્રિલ, ૨૦૨૧ સુધી ગાંધીનગર જિલ્લામાં આવેલા તમામ પાનના ગલ્લાઓ અને પાન-પાર્લરો સંપૂર્ણ બંધ રાખવા માટે હુકમ કરવામાં આવે છે. 
 
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૯૫ની જોગવાઈઓ વંચાણે લેતા આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ ૫૧ થી ૬૦ મુજબની લાગુ પડતી શિક્ષાને પાત્ર થશે. 
 
ગાંધીનગર જિલ્લામાં ફરજ પરના હાજર એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તેમજ પોલીસ વિભાગના હેડ કોસ્ટેબલ કે તેથી ઉપરનો હોદો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને તેમજ ખોરાક અને ઔષધ નિયમનતંત્રના ડ્રગ્સ ઇન્સપેક્ટર કે તેથી ઉપરોનો હોદ્દો ધરાવનાર અધિકારીઓને તથા આરોગ્ય વિભાગના અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમો વિરૂધ્ધ લેખિત ફરીયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.