1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 મે 2023 (19:20 IST)

રાહુલ ગાંધી બાદ હવે બિહારના ડે. સીએમ તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, મેટ્રો કોર્ટમાં 8 મેના સુનાવણી હાથ ધરાશે

ગુજરાતીઓને ઠગ કહેવા મુદ્દે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકરે બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં કરી છે. જેમાં કોર્ટે ફરિયાદ દાખલ કરીને ફરિયાદીની ખરાઈ કરવા માટે આજે સુનાવણી હાથ ધરી હતી. ત્યારે કોર્ટ દ્વારા મેટ્રો કોર્ટમાં ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફરિયાદીએ કોર્ટમાં સીડી અને પેન ડ્રાઇવના પુરાવા જરૂરી સર્ટિફિકેટ સાથે આપ્યા હતા. તો આ મામલે હવે 8 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. રાહુલ ગાંધી પછી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે.
 
તેજસ્વી યાદવે શું બોલ્યા જેને લઈ બદનક્ષીનો કેસ નોંધાયો
ફરિયાદની સાથે ન્યૂઝ ચેનલના ફૂટેજ પણ મૂક્યા છે. ફરિયાદમાં એવી રજૂઆત કરાઇ છે કે, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે થોડા સમય પહેલા મીડિયા સમક્ષ નિવેદન કર્યુ હતું કે, ‘જોભી દો ઠગ હૈ ના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મે દેખા જાયે તો સીર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો સકે ઠગ કો માફ કીયા જાયેગા, એલ.આઇ.સી કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લેકે ભાગ જાયેંગે, તો કૌન જીમ્મેવાર હોગા’
 
કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, તેજસ્વી યાદવનો સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ છે. તેમણે 22 માર્ચ 2023ના રોજ આ નિવેદન આપ્યું હતું. અરજદારે ભારતીય દંડસંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી છે. અરજદારે જણાવ્યું છે કે, નાયબ મુખ્યમંત્રી અને જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નહીં. જે અંતર્ગત બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે.