શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (12:04 IST)

અમદાવાદમાં પોલીસ સ્ટેન્ડ ટૂ, 5 હજારના ટોળા સામે ફરિયાદ, 50ની ધરપકડ

19 ડિસેમ્બરના રોજ નાગરિકતા કાયદાના વિરોધમાં અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દિવસભર બંધ શાંતિપૂર્ણ રહ્યો પણ સાંજે શાહઆલમ, મિરઝાપુર સહિતના વિસ્તારોમાં સુઆયોજિત ઢબે અચાનક હિંસા શરૂ થઈ હતી. પથ્થરમારો, AMTSની બસની તોડફોડ તથા પોલીસ જવાનો પર હુમલાની ઘટનાઓ બની હતી. જેમાં શહેરના ડીસીપી, એસીપી સહિત 19 પોલીસ જવાનો સહિત કુલ 25 લોકો ઘાયલ થયા હતા. જેને પગલે આજે પણ પોલીસને સ્ટેન્ડ ટૂના આદેશ આપ્યો છે. તેમજ પોલીસ વડાએ વધુ બે એસઆરપી કંપની ફાળવી દીધી છે. આજે પોલીસ જવાનો હેલ્મેટ અને બોડી પ્રોટેક્ટર સાથે તૈનાત છે. ગુરૂવારે શાહ આલમમાં પથ્થરમારા મામલે આજે 5 હજારના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિત વિવિધ ગુના હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પી.આઈ.જે.એમ સોલંકી ફરિયાદી બન્યા છે. પોલીસે 50 જેટલા લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા મોડી રાત સુધી સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. શાહઆલમ વિસ્તારમાં હાલમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે. પોલીસ સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. ઇસનપુર પોલીસે ટોળા સામે હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમા રૂકાવટ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.