બાળકોમાં જોવા મળતા રેરેસ્ટ ઓફ ધી રેર કેસ સર્વાઇકલ કાયફોસીસમાં સૌપ્રથમ વાર ઓર્થો-ઓપરેશનમાં ‘હેલોવેસ્ટ’નો ઉપયોગ
૧૧ વર્ષની લક્ષ્મીને સર્વાઇકલ કાયફોસીસ થતા તેનો ઇલાજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો
છે. બાળકોમાં જોવા મળતી આ જુજ પ્રકારની બીમારી છે. સર્વાઇકલ કાયફોસીસ કરોડરજ્જુની બીમારી છે જેમાં દર્દીની ગરદન ત્રાંસી રહે છે. સર્વાઇકલ કાયફોસીસનું ઓપરેશન ખૂબજ જટિલ હોય છે. અમદાવાદમાં સૌપ્રથમ વાર 'હેલોવેસ્ટ'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન ન્યુરો-મોનિટરીંગની પણ જરૂર પડે છે.
લક્ષ્મીની કરોડરજ્જુમાં જન્મથી ચોથો મણકો અપરિપક્વ રહ્યો હતો. ઉંમર વધવાની સાથે ગરદનના આ મણકાની વૃધ્ધિ થઈ રહી ન હતી. આ ઉપરાંત બે મહિના પહેલાં 11 વર્ષની દીકરી લક્ષ્મી શાળામાં રમતાં-રમતાં પડી જવાથી કરોડરજ્જુ ઉપર દબાણ સર્જાતાં ડોક તૂટી ગઈ હતી. આથી લક્ષ્મી હાથ-પગનાં હલન-ચલન તથા પેશાબ-જાડાં પર નિયંત્રણ ખોઈ ચૂકી હતી.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા લક્ષ્મીના પિતા સુનિલભાઈ સોની માટે પરિસ્થિતિ દુકાળમાં અધિક માસ જેવી થઈ હતી. સુનિલભાઈએ શહેરની ખાનગી હોસ્પિટલોનો સંપર્ક કર્યો જ્યાં આ ઓપરેશનનો ખર્ચ ચાર થી પાંચ લાખ રૂપિયા જણાવવામાં આવ્યો. આથી સુનિલભાઈ લક્ષ્મીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. સુનિલભાઈ અમદાવાદમાં લોડિંગ રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હોવાથી મોટો ખર્ચ ઉઠાવવા અસક્ષમ હતા.
સુનિલભાઈએ જણાવ્યું હતું કે, આજથી બે મહિના પહેલાં હું જ્યારે મારી દીકરી લક્ષ્મીને લઈને સિવિલ હોસ્પિટલમાં આવ્યો ત્યારે મને બિલકુલ આશા નહોતી કે આટલી ઝડપથી સાજી થઈ જશે. અમદાવાદ સિવિલમાં મારી દીકરીના બંન્ને ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યાં છે.સિવિલ હોસ્પિટલ ખાતે લક્ષ્મીને એક્સ-રે, સીટી સ્કેન, એમઆરઆઈ સહિતના તમામ રીપોર્ટ નીકાળીને બે તબક્કામાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેડન્ટ ડૉ. જે.પી.મોદીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે.
ડૉ. જે.પી. મોદીના જણાવ્યા મુજબ લક્ષ્મી માટે હેલોવેસ્ટ ખૂબ જ સફળ ઉપયોગ સાબિત થયું છે. આ 'હેલોવેસ્ટ' લક્ષ્મી માટે વિશેષપણે તૈયાર કરવામાં આવ્યું છે. સિવિલના ઓ.એસ.ડી ડૉ. પ્રભાકરના જણાવ્યા મુજબ હોસ્પિટલ ખાતે કોરોનાવોર્ડ સહીત અન્ય તમામ યુનિટ-વોર્ડ પૂર્વવત થઇ ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, લક્ષ્મીને હ્રદયની પણ બીમારી હોવાથી તેની સારવાર યુ.એન.મહેતા હોસ્પિટલમાં ચાલી રહી છે. સર્વાઇકલ કાયફોસીસનો ઇલાજ થતાં આજે લક્ષ્મી પોતાની જાતે હરીફરી શકે છે. 45 ડિગ્રી- અંશે ત્રાંસી ગરદનથી મુક્તિ મેળવી ચૂકી છે ત્યારે લક્ષ્મી હવે ઉંચું લક્ષ્ય આંબશે.