શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 મે 2020 (14:52 IST)

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વધુ એક રઝળતી લાશ મળી

સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ ન મળતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો મળી રહી છે ત્યારે સિવિલમાં સારવાર માટે દાખલ થયેલ લકવાગ્રસ્ત દર્દી ત્રીજા દિવસે વીડિયો કોન્ફરન્સથી પરિવારને મળ્યો હતો. નોંધનીય છે કે, દર્દી ન મળતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તે ન મળતા વિવિધ જગ્યાએ રજૂઆત કરી હતી. ત્યારબાદ આજે વાત થઇ જતા પરિવારને હાશકારો મળ્યો હતો. બીજી તરફ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વધુ એક રઝળતી લાશ આજે મળી આવી હતી. શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય પચાણ ભીખાભાઇને લકવાની અસર થતા તેઓને 16મીએ સાંજે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લકવાની સારવાર પહેલાં તેમને કોવિડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં પરિવારના સભ્યોને જવા દેવામાં આવ્યા ન હતા. બીજી તરફ બે દિવસ સુધી સતત પરિવારનો સંપર્ક તેમની સાથે થયો ન હતો. ત્યારબાદ તેમણે વિવિધ જગ્યાએ રજૂઆત કરી હતી. અંતે આજે તંત્રએ પરિવાર સાથે દર્દીની વીડિયો કોન્ફરન્સથી વાત કરતા રાહતનો શ્વાસ લીધો હતો.  બીજી તરફ આજે સવારે સિવિલ હોસ્પિટલમાં આવેલા ખોડિયાર માતાના મંદિર પાસે એક વ્યક્તિની લાશ પડી હતી. જેથી આ મામલે વિવિધ જગ્યાએ જાણ કરવામાં આવી હતી. જો કે, ત્રણ કલાક સુધી લાશ રઝળતી પડી રહી હતી. ત્યારબાદ લાશને પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપવામાં આવી છે. આ મામલે શાહીબાગ પોલીસે તપાસ આદરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં ત્રણ વ્યક્તિની રઝળતી લાશ મળી આવી હતી.  સિવિલ હોસ્પિટલમાં તબીબો, નર્સિંગ સ્ટાફ બાદ એક હેડ ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આ રોગ કેન્સર હોસ્પિટલમાં સતત વકરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. અત્યાર સુધી કેન્સર હોસ્પિટલમાં 87 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં નાસભાગ મચી ગઇ છે. બીજી તરફ હોસ્પિટલમાં આટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલના કામકાજ પર પણ ફરક પડી રહ્યો છે. જે હેડ ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે સંખ્યાબંધ લોકોના સંપર્કમાં હતો તેથી હજુ વધુ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવવાની શક્યતાઓ વ્યક્ત થઇ છે.