ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (08:48 IST)

અમદાવાદમાં શહિદ જવાનની 1 કિ.મી. લાંબી અંતિમયાત્રામાં 10 હજાર લોકો જોડાયા

રવિવારે કુલગામ જિલ્લાના યારિપોરામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં અમદાવાદનો જવાન ગોપાલસિંહ ભદોરિયા શહીદ થયો હતો. શહીદ જવાન ભદોરિયાના પાર્થિવદેહને બાપુનગરના હિરાવાડી વિસ્તાર સ્થિત ઘરે લવાયો હતો. લોકોએ 'વંદેમાતરમ'ના નારા સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદની એક કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં આશરે 10 હજાર લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ભદોરિયાએ મુંબઇની તાજ હોટલ પર થયેલા આતંકી હુમલામાં આતંકીઓને ઠાર માર્યા હતા.

આતંકી હુમલામાં શહીદ ગોપાલસિંહ ભદોરિયાની અંતિમયાત્રા ટ્રકમાં નીકળી હતી, જ્યારે આ સમગ્ર વિસ્તારમાં લોકોએ દુકાનો બંધ રાખી હતી. દેશભક્તિના ગીતો ગાતા લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, શહીદ જવાનના પાર્થિવદેહને આજે એરફોર્સના વિશેષ વિમાન દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો.  અમદાવાદ એરપોર્ટ પર પ્રદિપસિંહ જાડેજા સહિતના મંત્રીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ શહીદ જવાન શ્રંદ્ધાજલિ આપી હતી. ગુજરાત સરકારે શહીદ જવાન ગોપાલસિંહના પરિવારને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત છેલ્લા છ મહિનામાં ગુજરાત શહીદ જવાનોને ચાર-ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 

દક્ષિણ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં બે ભારતીય જવાનો શહીદ થયા છે. આ બે જવાનો પૈકી એક જવાન ગોપાલસિંહ ભદોરિયા અમદાવાદનો વતની છે અને બાપુનગરના હીરાવાડીમાં આવેલી મા શક્તિ સોસાયટીમાં રહેતો હતો. મુંબઇમાં તાજ હોટલ પર થયેલા આતંકવાદી હુમલામાં ગોપાલસિંહએ આતંકવાદીઓને મારવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને એક સૈનિકનો જીવ બચાવવા બદલ તેને મેડલ પણ અપાયો હતો. સૈનિક ગોપાલસિંહ ભદોરિયાના પિતાએ દીકરાની શહીદી પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.