1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (13:51 IST)

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં 23 લાખથી વધુની કિંમતનું ગોલ્ડ ચોરાયું

અમદાવાદ શહેરના માણેકચોક વિસ્તારમાં 23 લાખથી વધુની કિંમતના સોનાના બિસ્કિટ અને લગડીની ચોરી થઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે કર્મચારી પર કોઈપણ પ્રકારનું મેલું નાંખીને આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. મેલુ નાંખતાની સાથે જ કર્મચારીને ખંજવાળ આવવા લાગતાં ચોરી કરવા આવેલા શખ્શો 23 લાખથી વધુના સોનાના બિસ્કિટ અને લગડી લઈને ફરાર થઈ ગયાં હતાં. વધુ વિગતે જોતાં ગુલબાઈ ટેકરામાં અર્બુદા એપાર્ટમેન્ટમાં રહેતાં ચંદ્રકાન્તભાઈ વૈદ ખોખરામાં આવેલી ગુજરાત બુલિયન રિફાઈનરીમાં બનેલા સોનાના દાગીના અને બિસ્કિટ લાવવા લઈ જવાનું કામ કરે છે. ગુરુવારે રાતે કાંતિ અમૃતલાલ પેઢીમાં સોનાના દાગીના સુરત મોકલ્યા બાદ માણેકચોકમાં આવેલા મેહુલ બુલિયનમાંથી સોનાના બિસ્કિટ અને લગડીઓ લઈ જવાનો ફોન આવતા તેઓ ત્યાં ગયા હતા. ત્યાંથી 6 સોનાના બિસ્કિટ અને 11 સોનાની લગડીઓ લઈ અને એક્ટિવામાં મૂકી ઓફિસ તરફ જવા નીકળ્યા હતા. રંગાટી બજાર પાસે તેઓ પહોંચ્યા ત્યારે અચાનક તેમને ખંજવાળ આવવા લાગી હતી. જેથી તેઓએ એક્ટિવા ઉભું રાખી ખંજવાળતા હતા. તે જ સમયે તેમની ઓફિસમાં કામ કરતા અન્ય કર્મચારી ચંદ્રેશભાઈ આવતા તેઓને આ દાગીના લઈ જવા કહ્યું હતું પરંતુ તેઓએ ના પાડી અને ઘાંચીની પોળમાં આવવા કહી જતા રહ્યા હતા. દરમ્યાનમાં એક અજાણ્યો શખ્સ સ્કૂટર પર આવ્યો હતો. પાણી ભરેલી બોટલ ચંદ્રકાન્તભાઈ પર નાખી હતી. તેઓ શરીર પર સાફ કરતા હતા ત્યારે નજર ચૂકવી એક્ટિવામાં રહેલો રૂ. 23.37 લાખના સોનાના દાગીના ભરેલો થેલો લઈ ફરાર થઇ ગયો હતો. ખાડીયા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.