શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (12:19 IST)

પ્રોજેક્ટોની આડમાં વિકાસના નામે વિનાશ, અમદાવાદમાં આઠ વર્ષમાં બે હજારથી વધુ વૃક્ષો કપાયા

મેગાસિટી અમદાવાદ ગ્રીનરીના મામલે રાજ્યની કુલ આઠ મહાનગર પાલિકાઓમાં છક સાતમાં ક્રમે આવે છે. અમદાવાદમાં લધુત્તમ ધારાધોરણ મુજબ ૧૨ ટકા ગ્રીનરી હોવી જોઇએ તેને બદલે હાલમાં માત્ર ૪.૬૪ ટકા જ ગ્રીનરી છે. ત્યારે મ્યુનિ.તંત્ર દ્વાર વૃક્ષારોપણ, વૃક્ષોની સારસંભાળ અને ગેરકાયદે કટિંગના મામલે ઉદાસીનતા દાખવાતા શહેરમાં ગ્રીનરી નામશેષ થવાના આરે આવી ગઇ છે. છેલ્લા આઠ વર્ષમાં વિવિધ પ્રોજેક્ટમાં નડતરરૃપ એવા બે હજારથી પણ વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે.

સિમેન્ટ-ક્રોંકિટના જંગલ સમા શહેરમાં વૃક્ષોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી જવા પામી છે. આડેધડ વૃક્ષો કાપીને રોડ-રસ્તા, બિલ્ડીંગો બનાવી દેવાતા હાલમાં શહેરમાં આશરે ૬૦ લાખની વસ્તી સામે માત્ર ૬.૧૮ લાખ વૃક્ષો રહી ગયા છે.
વોટર, ડ્રેનેજ, બ્રિજ, હાઉસિંગ, રોડ, બીઆરટીએસ જેવા પ્રોજેક્ટોને લઇને વૃક્ષો કપાયા છે. જેમાં લાકડાના વેચાણની ઓફર-હરાજી મારફતે ૩૧,૧૧,૩૭૪ની આવક થવા પામી છે. મ્યુનિ.સત્તાવાળાઓના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષમાં ૧૧૭ વૃક્ષોનું ગેરકાયદેસર નિકંદન કાઢી નંખાયું છે. જેમાં ૫.૭૭ લાખનો દંડ વસુલાયો હતો.
મ્યુનિ.તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષમાં ૨૭ નવા બગીચાઓ ડેપલપ કરાયાનો દાવો કરાય છે. જ્યારે નવાઇની વાત તો એ છેકે શહેરના મોટાભાગના બાગ-બગીચા ઉજ્જડ અને ગંદકીથી ખદબદી રહ્યા છે. હવે આકરા ઉનાળાની શરૃઆત થવા પામી છે ત્યારે વૃક્ષોની સંખ્યા ઘટતા કેવી હાલાકી ભોગવવી પડે છે તેનો શહેરીજનોને અહેસાસ થશે. 
ગ્રીનસીટી માટે બજેટમાં અલાયદા ફંડની વ્યવસ્થા કરવાની માંગણી ઉઠવા પામી છે. ૨૦૦૯-૧૦ થી ૨૦૧૨-૧૩ દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં ૭.૨૯ કરોડના જંગી ખર્ચે ૧.૩૨ લાખ ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાંય જરૃરી સારસંભાળના અભાવે મોટાભાગના વૃક્ષોનું બાળ મરણ થવા પામ્યું છે.