રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (16:23 IST)

અમદાવાદમાં કાચા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે બોલાતું ત્રણ મહિનાનું વેઇટિંગ!

અમદાવાદમાં લર્નિગ લાયસન્સ કઢાવવા માટે  હાલમાં ત્રણ માસનું વેઇટિંગ બોલાતું હોવાથી અરજદારોએ પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. વળી પાછુ પાકુ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પણ તેટલું જ વેઇટિંગ બોલાતું હોવાથી અરજદારના હાથમાં ડ્રાઇવિંગ લાયસન્સ આવતા ૧૧ મહિના જેટલો સમય વિતી જતો હોય છે. વસ્ત્રાલ આરટીઓમાં લર્નિંગ લાયસન્સ માટે ફક્ત એક જ કેન્દ્ર ફાળવાયું હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આશરે ૭૦ લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં ત્રણ આરટીઓ કાર્યરત છે.  શહેરીજનોને ડ્રાઇવિંગ લાયસન્સ સરળતાથી અને ઝડપી મળી રહે તે માટે  તેની કામગીરી આઇટીઆઇને સોંપાઇ છે. સુભાષબ્રિજ આરટીઓ માટે  ૭  કેન્દ્રો અને બાવળા આરટીઓ માટે  પણ ૭ કેન્દ્રો ફાળવાયા છે.  જ્યારે  મોટો વિસ્તાર ધરાવતી વસ્ત્રાલ આરટીઓ માટે ફક્ત એક  જ  આઇટીઆઇ ખોખરા-મણિનગર કેન્દ્ર ફાળવાયું હોવાથી આ આરટીઓના અરજદારોએ ડ્રાઇવિંગ લાયસન્સ માટે  મહિનાઓ સુધી રાહ જોવા ઉપરાંત અનેક ધક્કા ખાવાની નોબત આવી ગઇ છે. આ અંગે અરજદારોના જણાવ્યા મુજબ કાચા લાયસન્સ માટેની તારીખ લેવા માટે રાત્રે ૧ વાગ્યે વેબસાઇટમાં કાચા લાયસન્સ માટેના સ્લોટ બુકિંગ ખૂલતા હોય છે. જેમાં ફક્ત ચાર મિનિટમાં જ દિવસની તમામ ૬૦ એપોઇમેન્ટ બુક થઇ જતી હોય છે. આથી બાકીના અરજદારો રહી જાય છે. અરજદારોના મતે પહેલા રોજની ૩૦૦ જેટલી એપોઇમેન્ટો અપાતી હતી હવે કોવિડ-૧૯ ને કારણે દિવસની ફક્ત ૬૦ જ એપાઇમેન્ટ અપાય છે. વસ્ત્રાલ આરટીઓમાં નારોલ, ઇસનપુર, ધોડાસર, વટવા, વસ્ત્રાાલ, હાથીજણ, મણિનગર, અમરાઇવાડી, ગોમતીપુર, કઠવાડા, કણભા, કુજાડ, કુહા, ભુવાલડી, ઝાણું, પસુંજ, કુબડથલ, સિંગરવા, ગામડી, નાંદેજ, ચાસર સહિતના દસક્રોઇ તાલુકાના ગામો, ઓઢવ, નિકોલ, રખિયાલ, હાટકેશ્વર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોના લાખો લોકો હાલમાં લર્નિંગ લાયસન્સ માટે ધક્કા ખાઇ રહ્યા છે. ૯૦ દિવસે એપોઇમેન્ટ મળે અને તે દિવસે તમે જો નાપાસ થાવ તો ફરીથી લેવી પડતી એપોઇમેન્ટ પણ બીજા ૯૦ દિવસ પછી મળતી હોય છે. વસ્ત્રાલ આરટીઓ માટે વધુ સેન્ટરો ફાળવવાની માંગણી અરજદારો કરી રહ્યા છે. હાલમાં જે અરજીઓનો ભરાવો થઇ ગયો છે તેનો  સમયસર નિકાલ કરવા માટે યોગ્ય આયોજન કરવાની માંગણી ઉઠી છે.