ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (08:23 IST)

અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર, દર્દીઓના ઘરેથી મચ્છરોના બ્રિડિંગ મળ્યા

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોએ શહેરમાં હવે માથું ઊંચક્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધીમાં નોંધાયેલા 64 જેટલા ડેન્ગ્યુના કેસોમાંથી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ડેન્ગ્યુ થયેલા દર્દીઓના ઘરે સર્વે કરતા ગોતા, ચાંદલોડિયા, સરખેજ, થલતેજ, દરિયાપુર, રબારીકોલોની, નરોડા, રાણીપ, નવરંગપુરા વિસ્તારમાં ડેન્ગ્યુના મચ્છરો હોવાનું બહાર આવ્યું છે જેથી આ વિસ્તારના લોકોએ વધુ સાચવવાની જરૂર છે. ચાલુ વર્ષે ઓગસ્ટ માસના 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટના 14 દિવસમાં પાણીજન્ય રોગોમાં ઝાડા-ઉલ્ટીના 191, કમળાના 86 અને ટાઈફોઈડના 152 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં સાદા મેલેરિયા 60 કેસો, ઝેરી મેલેરિયાના 03, ડેન્ગ્યુના 64 અને ચિકનગુનિયાના 47 કેસો નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 313 કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરી 51 સાઈટને નોટિસ આપી હતી તેમજ રૂ. 56000નો દંડ વસુલ કર્યો હતો. 176 એજ્યુકેશનલ એકમો ચેક કર્યા હતા. જ્યારે 314 જેટલા મોલ, મલ્ટીપ્લેક્સ અને કોમર્શિયલ એકમોને ચેક કરી 68ને નોટિસ આપી હતી. મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટીટ્યુટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.