શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 જાન્યુઆરી 2020 (12:25 IST)

મંગળવારની રાત બની અમંગળ, ડમ્પર ચાલકે ત્રણ લોકોનો લીધો ભોગ

અમદાવાદના ખોખરા નજીક મંગળવારે મોડી રાત્રે યમરાજ બનીને આવેલા ડમ્પર ચાલકે એક જીવલેણ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ડમ્પર ચાલકે 8 વધુ વાહનોને અડફેટે લીધા હતા જેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા.મળતી માહિતી અનુસાર દારૂના નશામાં ધૂત બનેલા ડમ્પર ચાલકે કાળ બનીને ફરવા નીકળેલા બે યુવકોને અડફેટે લેતા એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવક સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. અકસ્માત સર્જાયો તે દરમિયાન તારાબેન નામની મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે તેમના દીકરાને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતમાં કુલ 3 લોકોના મોત નિપજ્યા જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ મામલે મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે (મંગળવાર) ખોખરા અનુપમ બ્રિજ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ડમ્પર ચાલકે 8 વાહનો અડફેટે લીધા જેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા.આ અકસ્માતમાં ડમ્પર ચાલક નશાની હાલતમાં ડમ્પર હંકાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડમ્પરની અડફેટમાં દિપક ખટિક અને તેના મિત્ર કમલેશ ખટિક આવી જતાં દિપક ખટિકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે કમલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ એક સ્થાનિક એક મહિલા બાળક સાથે બેઠી હતી. તેનું પણ ડમ્પર સાથે અથડાતા મોત નીપજ્યું છે.  ઉલ્લેખનીય છે, કે આ ઘટનામાં દિપક ખટિક, કમલેશ ખટિક અને તારા બહેન નામની મહિલાનું મોત નીપજ્યું હતું. આમ, કુલ ત્રણ લોકોને મોત આપનાર ચાલકની પોલીસે અટકાયત કરી દીધી છે.
 
મૃતકના પરિવારજનો અને ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે ડમ્પર ચાલક નશાની હાલતમાં ધૂત હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. રાત્રીના સમયે આ વિસ્તારમાં ડમ્પર ચાલકોનો ત્રાસ ખૂબ જ વધારે હોય છે તેવું સ્થાનિકોનું કહેવું છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર અનુપમ સિનેમાથી ખોખરા તરફ જતા રસ્તા પર એક ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. તેમાં 2 લોકો ના મોત નિપજ્યા અને 2 લોકો ની હાલત નાજુક છે. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ડમ્પરને કબ્જે કરવામાં આવ્યું છે અને ડમ્પર ચાલકની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. નશાની હાલતમાં ડમ્પર ચાલક જણાશે તો તેની પણ કાર્યવાહી કરવામાં આવશે.