શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (13:41 IST)

દારુ બંધીની વાતો કરતો અલ્પેશ ઠાકોર બરાબર ભરાયો, હવે લોકોના સવાલોમાં જ ફસાયો

ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાંથી રાધનપુરમાં ચૂંટણી લડી રહ્યાં છે. તેથી દારુ વેચાય છે છતાં તે તેની સામે બોલી પણ શકતાં ન હોવાથી રાધનપુરના લોકો તેમને પ્રશ્નો પૂછી રહ્યાં છે કે એ 900 દારુના અડ્ડા આજે ચાલુ છે તે બંધ કેમ ન થયા ? અલ્પેશ ઠાકોરે 26 ફેબ્રુઆરી 2016માં ત્રણ વર્ષ પહેલા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલના મહેસાણા જિલ્લાના વતનમાં દારૂના 900 અડ્ડા ચાલે છે. મહેસાણામાં દારૂ-જુગારના 900થી વધુ અડ્ડા ધમધમતા હોવાનો ઘટસ્ફોટ કરતી યાદી ઓબીસી એસસી એસટી મંચના નેતા અલ્પેશ ઠાકોરે પૂર્વ મુખ્ય પ્રધાન આનંદી પટેલને રૂબરૂ મળીને આપી હતી. દારૂની બદી સામે ઝુંબેશ ચલાવનારા અલ્પેશે ટોકન તરીકે બુટલેગર્સનાં નામ-સરનામાં સાથેની યાદી આપી હતી. જે આજે અલ્પેશ ઠાકોર ભૂલી ગયા હોવાથી લોકો તેમને યાદ કરાવી રહ્યાં છે કે તે જૂની યાદી ફરીથી બહાર કાઢે અને જનતા રેડ કરાવી ઠાકોર સમાજને બચાવે.એસસી, એસટી, ઓબીસી એકતા મંચના બેનર હેઠળ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર વ્યસનમુક્તિ ‘વ્યસનમુક્તિ મહાકુંભ’ રેલીમાં અલ્પેશે દારૂના અડ્ડા બંધ કરાવવા માટે એક મહિનાનું અખરી નામું આપીને ફરીથી મુખ્ય પ્રધાનને વધુ 21 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. પછી અડ્ડા પર તેમણે દરોડા પાડ્યા અને એકાએક બંધ થઈ ગયા હતા.3 વર્ષથી દારૂના અડ્ડા બંધ ન થયા. અલ્પેશ ઠાકોરે દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું તેને ત્રણ વર્ષ થયા પણ અડ્ડા ચાલુ છે ભાજપમાં પક્ષપલટો કર્યા પછી અલ્પેશ ઠાકોર મૌન છે. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરાવી રહ્યા હતા. જે હવે ભાજપમાં ગયા પછી 6 મહિનાથી બંધ છે. અમદાવાદમાં લઠ્ઠાકાંડ બાદ ગાંધીનગરમાં દારૂના નામે દારૂના અડ્ડા ઉપર દરોડા પાડીને તરકટ કરનારા પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના મતવિસ્તાર રાધનપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોરના દારૂબંધી અભિયાનની હવા નીકળી ગઈ છે. મહત્વનું છે કે, રાજયભરમાં દારૂના અડ્ડા ઉપર દરોડા પાડનારા અલ્પેશ ઠાકોરના પિતરાઈ ભાઈ કાંતિ ઠાકોર પણ દારૂની ખેપ મારતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો.ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે 18 જૂન 2018માં પાટણ ડીસા રોડ ખાતે નવા બનેલા મેડિકલ સ્ટોરનું ઉદ્ઘાટન કરતી વેળા કહ્યું હતું કે, મારા સમાજના લોકો નાનો મોટો દારૂનો ધંધો કરતા હશે. હું ના નથી કહેતો. પરંતુ આ લોકોને પકડાવવા માટે હું જ દોડું છું. હું સભાનતાપૂર્વક કહી રહ્યો છું. એમને રોકવા માટે, બંધ કરાવવા માટે એમને પકડાવવા માટે હું જ દોડું છું.તેમણે અનેક જગ્યાએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી હતી. અનેક વખત સરકારને જુદા જુદા વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા અંગે સરકારે ચીમકી પણ આપી હતી. ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના પાછળનો તેમનો ઉદેશ્ય તેમના સમાજના લોકોને દારૂની કુટેવમાંથી મુક્તિ અપાવવાનો હતો. પણ તે રાજકાણમાં જઈને ભાજપ સાથે પક્ષપલટો કરતાં હવે તે સરકાર સામે કંઈ બોલી શકતા નથી.