અમેરિકાના ઈસ્લામિક સંગઠનો અને દાનવીરોએ ગુજરાત અને અન્ય રાજ્યોને 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ કર્યા દાન
કોવિડ-19 મહામારીને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં અને ઘણા સ્થળોએ ઓક્સિજનની અછતના અહેવાલોને ધ્યાનમાં લઈને અમેરિકાના ઈસ્લામિક સંગઠનોના એક જૂથ અને દાનવીરોએ ગુજરાત અને અન્ય રાજ્યોમાં કોવિડ-19ની સારવાર કરતાં એકમોને 100થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનુ દાન કર્યુ છે.
અમદાવાદ સુન્ની મુસ્લીમ વકફ કમિટી અને અલ અમીન ચેરિટેબલ ટ્રસ્ટે વિવિધ સંગઠનો અને વ્યક્તિગત દાતાઓનો સહયોગ પ્રાપ્ત કરીને 100થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની વ્યવસ્થા કરી છે.
અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લીમ્સ ઓફ ઈન્ડીયન ઓરિજિન (AFMI) તરફથી 25 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનુ અને ગુજરાત મુસ્લીમ્સ એસોશિએશન ઓફ અમેરિકા (GMMA) તરફથી 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનુ દાન પ્રાપ્ત થયું છે. અમેરિકામાં સ્થાયી થયેલા મુનિસ સૈયદે 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનુ દાન કર્યુ છે અને બાકીના ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ વ્યક્તિગત દાનવીરો અને સંસ્થાઓ તરફથી પ્રાપ્ત થયાં છે.
આ બે સંસ્થાઓ જણાવે છે કે “આ એક અભૂતપૂર્વ આરોગ્યલક્ષી કટોકટી છે અને કોઈ પણ વ્યક્તિ જે કોઈ રીતે મદદ કરી શકે તેમ હોય તે રીતે મદદ કરવાની ફરજ અને જવાબદારી બની રહે છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનુ દાન એ કોવિડ મહામારી સામેની આ લડતમાં આપણા તરફથી માતૃભૂમિને એક નાનુ યોગદાન છે. ”
જે 100 જેટલાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પ્રાપ્ત થયાં હતાં તેમાંથી 50 અલ અમીન હૉસ્પિટલ, અમદાવાદને તથા 20 જવાહરલાલ નહેરૂ મેડિકલ કોલેજ, અલીગઢને આપવામાં આવ્યાં છે.
10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ હૈદ્રાબાદની હૉસ્પિટલને, 7 અલીગઢની એક સ્વૈચ્છિક સંસ્થાને ગુજરાતમાં 5 દારૂલઉલુમ વડોદરાને, 4 એમજે ડચ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નડીયાદને અને 2 સહયોગ ટ્રસ્ટ કપડવંજને આપવામાં આવ્યાં છે.