બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 એપ્રિલ 2018 (12:04 IST)

હોદ્દો કામ કરવા માટે છે પરિણામ નહીં મળે તો તગેડી મુકાશે - અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદ મુલાકાત દરમિયાન આગામી લોકસભાની ચૂંટણીને લઈને નિષ્ક્રિયતા અંગે પ્રદેશ ભાજપના આગેવાનો સહિત રાજ્ય સરકારના મંત્રીઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત સંગઠનના આગેવાનોને કડક શબ્દોમાં ખખડાવતા કહ્યું હતુંકે, સરકાર હોય કે સંગઠન હોદ્દો કામ કરવા માટે આપવામાં આવે છે, પરિણામ નહીં મળે તો તગેડી મૂકવામાં આવશે. જે કામ નહીં કરે તેની ખુરશી ખેંચી લેવામાં આવશે તેવી ચેતવણી શાહે આપી હોવાનું સૂત્રોનું કહેવું છે.

ઉલ્લેખનીય છેકે, આગામી લોકસભાની ચૂંટણીના પ્લાનિંગમાં ક્યાંય કાચું કપાય તે ભાજપને પોસાય તેમ નથી. જેને પગલે વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સતત મિશન 2019ને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા રહે છે. જે અંતર્ગત અમદાવાદ મુલાકાત દરમિયાન પણ અમિત શાહે લોકસભાની તૈયારીઓ અંગે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને શાહે ગુજરાત ભાજપની પ્રદેશ નેતાગીરી પાસે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેવી તૈયારીઓ છે તે અંગે પૂછપરછ કરી હતી.

જેમાં તેમને સંતોષકારક જવાબ ન મળવાથી તેમણે સંગઠનના હોદ્દેદારોને કડક શબ્દોમાં ચિમકી આપી હતી. ગુજરાત સરકારના મંત્રીઓ અને પ્રદેશ ભાજપના સંગઠનના આગેવાનોને સતત પ્રજાની વચ્ચે રહીને મોદી સરકારના વિકાસકામોનો પ્રચાર-પ્રસાર કરવાનો આદેશ પણ શાહે અાપ્યો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયાથી માંડીને ગ્રાઉન્ડ લેવલ પર ગુજરાતમાં કોંગ્રેસનું કદ સતત વધી રહ્યું હોવાની પણ શાહે ચિંતા વ્યક્ત કરી હતી. આ સંદર્ભે સરકાર અને સંગઠનના આગેવાનોને હવે પછીના તમામ કાર્યક્રમો આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ઘઢવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી હતી.