1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2022 (15:33 IST)

અમિત શાહ આજથી 6 દિવસ સુધી ગુજરાતમાં રહેશે, વડાપ્રધાન મોદી ફરીવાર 31 ઓક્ટોબરે ગુજરાત આવશે

Amit Shah will stay in Gujarat
હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ ગઈ છે પરંતુ ગુજરાતની ચૂંટણી હજી જાહેર થઈ નથી. ત્યારે ગુજરાતમાં હજી કેન્દ્રીય નેતાઓના પ્રચાર ચાલી રહ્યાં છે. ગઈ કાલે વડાપ્રધાન મોદી બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા હતાં. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી પણ ફરીવાર 31 ઓગસ્ટે ગુજરાત આવશે. તેઓ બનાસકાંઠાના થરાદમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ સહિત જાહેરસભાને પણ સંબોધશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ દિવાળીનો પર્વ પરિવાર સાથે ઉજવશે. આજે રાતે તેઓ અમદાવાદમાં આવશે. આવતીકાલે તેમનો વલસાડમાં કાર્યક્રમ છે. આગામી દિવસોમાં વડોદરા, બનાસકાંઠાની મુલાકાત કરશે. તેમજ સોમનાથની પણ મુલાકાત કરશે. બીજી તરફ પીએમ મોદી 31 ઓક્ટોબરે ફરીવાર ગુજરાત આવશે. તેઓ બનાસકાંઠાના થરાદમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ સહિત જાહેરસભાને પણ સંબોધશે. ભાજપ દ્વારા તૈયાર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે 26 ઓક્ટોબર સુધી ચારેય ઝોનમાં અલગ અલગ દિવસે પ્રવાસ કરશે અને ઝોન પ્રમાણે સ્થાનિક નેતાઓ, સક્રિય કાર્યકરો સાથે મુલાકાત કરશે. જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

વર્ષ 2017 ની ચૂંટણી દરમિયાન પણ અમિત શાહે આ રીતે કાર્યકરો સાથે બેઠકો કરી હતી અને જે તે જિલ્લાની સ્થાનિક નેતાગીરી વચ્ચેનો અસંતોષ દૂર કર્યો હતો.ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા દિવાળીની આસપાસ કરાશે તેવી અટકળો ચાલતી હતી. જો કે 29 ઓક્ટોબર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકારી કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 31 ઓક્ટોબર સરદાર જયંતીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે. તેના કારણે હવે ચૂંટણીની જાહેરાત 1 નવેમ્બર આજુબાજુ થાય તેવી શક્યતા રાજકીય વર્તુળોમાં મૂકાઇ રહી છે.