શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2019 (13:46 IST)

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને 9 કરોડ જમા કરાવવા આદેશ

મહેસાણાની દૂધસાગર ડેરીનાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને ફાળવેલાં રૂપિયા ૨૨.૫૦ કરોડનાં સાગરદાણ મામલે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં રૂપિયા ૯ કરોડ મહેસાણા દૂધ સંઘમાં જમા કરાવવા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ટ્રીબ્યુનલે વિપુલ ચૌધરીને હુકમ કરતાં સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્ય રજીસ્ટ્રારે કરેલા રીકવરીનાં હુકમ સામે વિપુલ ચૌધરીએ ટ્રીબ્યુનલમાં અરજી કરતાં ટ્રીબ્યુનલે અગાઉ ૨.૨૫ કરોડ દૂધ સંઘમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.
દૂધસાગર ડેરીનાં ચેરમેન હતા તે સમયે વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રમાં અછતની પરિસ્થિતિને લઈને મહેસાણા દૂધ ઉત્પાદક સંઘમાંથી રૂપિયા ૨૨.૫૦ કરોડનું સાગરદાણ વિનામૂલ્યે મોકલ્યુ હતું. આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદો થતાં રાજ્ય રજીસ્ટ્રારને તપાસ કરવાનો આદેશ કરાયો હતો. સાગરદાણ મોકલીને મહેસાણા દૂધ ઉત્પાદક સંઘને થયેલા નુકશાન મામલે રાજ્ય રજીસ્ટ્રાર નલિન ઉપાધ્યાયે તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરીને ૨૨,૫૦,૨૬,૬૨૮ જેટલી રકમ ૩૦ દિવસમાં દૂધ સંઘમાં જમા કરાવવા હુકમ કર્યો હતો. રાજ્ય રજીસ્ટ્રારનાં હુકમ સામે વિપુલ ચૌધરીએ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ટ્રીબ્યુનલમાં દાદ માંગી હતી.
તેથી ટ્રીબ્યુનલે વિપુલ ચૌધરીને રકમનાં ૧૦ ટકા રકમ ભરીને ટ્રીબ્યુનલમાં આવવા કહ્યું હતું. વિપુલ ચૌધરીએ ૧૬-૧૦-૨૦૧૮ નાં રોજ રૂપિયા ૨,૨૫,૦૨,૬૬૨.૮૦ પૈસા જમા કરાવ્યા હતા. ત્યારબાદ ટ્રીબ્યુનલે વિપુલ ચૌધરીને રીકવરીનાં હુકમ સામે કામચલાઉ મનાઈ હુકમ આપ્યો હતો. જો કે છેલ્લી સુનાવણીમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ટ્રીબ્યુનલે સાગરદાણનાં કુલ રકમનાં ૪૦ ટકા રકમ મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં હુકમની તારીખથી ૩૦ દિવસમાં જમા કરાવે તે શરતે કામચલાઉ મનાઈ હુકમ આ અપીલના આખરી નિકાલ સુધી કાયમ કરવાનો આદેશ કર્યો હતો.
તેથી વિપુલ ચૌધરીને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વધુ ૪૦ ટકા રકમ પ્રમાણે વધુ ૯ કરોડ જમા કરાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પરંતુ અપીલનાં આખરી નિકાલ સુધી કામચલાઉ મનાઈ હુકમને કાયમ કરવામાં આવતાં થોડી રાહત થઈ છે. જો કે, ટ્રીબ્યુનલના આ ચૂકાદાને લઇને ઉત્તર ગુજરાત સહિત રાજયના સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને બંને પક્ષના લોકો ચૂકાદાને પોત પોતાની રીતે મૂલવી રહ્યા છે.