શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ડિસેમ્બર 2021 (12:16 IST)

દિવાળી બાદ ઓફલાઇન સ્કૂલ શરૂ થતાં વિદ્યાર્થીઓની હાજરી વધી

કોરોના મહામારીને કારણે લાંબો સમય સુધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. હવે જ્યારે શાળાઓ ફરીથી શરુ થઈ છે તો વાલીઓને ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણનો વિકલ્પ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે સેલ્ફ-ફાઈનાન્સ શાળાઓમાં દિવાળીની રજાઓ પછી ઓફલાઈન ભણતર મેળવવા માંગતા એટલે કે શાળાએ આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
 
અમદાવાદની મોટાભાગની ખાનગી શાળાઓમાં પહેલા અઠવાડિયામાં ૧૦ ટકા બાળકો શાળામાં આવતા હતા, જ્યારે હવે તે આંકડો વધીને ૩૫ થી ૪૦ ટકા થઈ ગયો છે. અમદાવાદ પ્રોગ્રેસિવ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના અધ્યક્ષ મનન ચોકસી જણાવે છે કે, દિવાળી વેકેશન પછી ભણવા માટે શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
 
ધોરણ ૧થી ૫ની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુર અને વડોદરામાં લગભગ ૧૦ ટકા હાજરી રહેતી હતી. આ હાજરી વધીને ૩૦થી ૩૫ ટકા થઈ ગઈ છે. ધોરણ ૬થી ૧૨ની વાત કરીએ તો લગભગ ૪૦ ટકા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હાજર હોય છે.
 
મનન ચોકસીએ વધુમાં જણાવ્યું કે, આગામી વર્ષમાં થનારી બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની હાજરીમાં પણ વધારો જાેવા મળ્યો છે. શાળાઓ પ્રયત્ન કરી રહી છે કે લાંબા સમય સુધી ઓનલાઈન ક્લાસ થયા હોવાને કારણે વિદ્યાર્થીઓનું જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવામાં આવે. કોરોનાને કારણે શાળાઓ લાંબા સમય સુધી બંધ રહી હતી.
 
આ વર્ષે નવા શૈક્ષણિક વર્ષથી એટલે કે જુલાઈ મહિનાથી શાળાઓ તબક્કાવાર ધોરણે શરુ કરવામાં આવી હતી. મોટાભાગની શાળાઓ ઓનલાઈન શિક્ષણની પદ્ધતિ અપનાવે છે. સરકાર તરફથી બાળકોને શાળામાં બોલાવવાને છૂટ તો આપવામાં આવી છે, પરંતુ ક્ષમતા કરતા ૫૦ ટકા જ હાજરીને મંજૂરી આપવામાં આવી છે.
 
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યો છે જેથી બાળકોના શિક્ષણને પહોંચેલા નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય અને પડકારોનો સામનો કરવા માટેની પદ્ધતિ જાણી શકાય. ઘણી શાળાઓ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે કે બાળકોની લખવાની ક્ષમતામાં ઘટાડો થયો છે. પાછલા ૧૮ મહિનામાં તેમનું ભણતર ઘણું પ્રભાવિત થયું છે.
 
ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના આચાર્ય શર્મિષ્ઠા સિન્હા જણાવે છે કે, ઓનલાઈ ક્લાસ દરમિયાન ઘણાં બાળકો પોતાનું ફોકસ ગુમાવી દેતા હોય છે. આના કારણે તેમની શીખવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. લખવું ઘણું જરુરી છે અને ઓનલાઈન ક્લાસમાં તે સ્કિલ પ્રભાવિત થાય છે. સાયન્સ લેબ જેવા પ્રેક્ટિકલ અનુભવોથી બાળકો વંચિત રહે છે.