સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (14:17 IST)

અભ્યાસ અર્થે કેનેડા ગયેલા ભરૂચનાં ત્રણ વિદ્યાર્થીનાં કાર અકસ્માતમાં મોત

ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયેલાં ભરૂચ જિલ્લાનાં ત્રણ વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. કેનેડાના ન્યૂ-બ્રુનસ્વિક રાજ્યમાં આવેલા સેન્ટ જ્હોન ખાતે ભરૂચ જિલ્લાનાં ચાર યુવકોએ એન્જિનિયરીંગ માટે એડમિશન લઈ ભણવા માટે ગયાં હતા. દરમિયાન ચારેય મિત્રોએ ફરવા જવાનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો. અગાઉથી કરાયેલા આયોજન મુજબ સ્થાનિક મિત્રની કારમાં ચારેય જણા ફરવા જવાના હતા. દરમિયાન ન્યૂ-બ્રુનસ્વિકના હાઇવે નંબર-2 પરથી પસાર થતી વેળાએ મોનકોટોન પાસે કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં બેસેલા બે ગુજરાતી યુવાનોનાં મોત થયાં હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. 
આ ઘટનામાં મૃત્યુ પામેલા પૈકીના એક વિદ્યાર્થીની ઓળખ ભરૂચના જેનિશ રાણા તરીકે થઈ છે. જ્યારે અન્ય બે વિદ્યાર્થીની ઓળખ થઈ શકી નથી. જેનિશ રાણા જંબુસરની રાણા શેરીનો રહેવાસી હતો. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓનાં નામની ઓળખ થઈ નથી.મૃતક જેનિશ રાણાની ફેસબુક પ્રોફાઇલ છેલ્લી દૃશ્યમાન પોસ્ટ પર તેણે એક કારમાં પોઝ આપતો ફોટો પડાવી મૂક્યો છે. આ ફોટોની કેપ્શનમાં તેણે લખ્યું હતું કે ' લાઇફ ઇઝ ટૂ શોર્ટ ફોર બેડ વાઇબ્સ' એટલે કે ' જીવન ખરાબ તરંગો જીવવા માટે ખૂબ ટૂંકુ છે'કેનેડાની કેટલીક ન્યૂઝ વેબસાઇટ્સ મુજબ અકસ્માતમાં બાદ હાઇવેને પોલીસ દ્વારા 12 કલાક સુધી બંધ રખાયો હતો. 
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ હાઇવે પરની ઝડપ અકસ્માતનું કારણ બની હશે. આ અકસ્માત બાદ ડ્રાઇવરની પોલીસે અટકાયત કરી અને જામીન પર છોડ્યો છે. ડ્રાઇવરને 13મી ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવાની શરતે જામીન અપાયા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં સેન્ટ જ્હોન કૉમ્યુનિટી  કૉલેજનાં ગુજરાતી વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં આઉટીંગ પર નહીં જનારો ભરૂચનો એક વિદ્યાર્થી બચી ગયો છે.