ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 28 જુલાઈ 2020 (13:10 IST)

નવુ માળખું રચાશે હવે ભાજપમાં કોંગ્રેસીઓને નો એન્ટ્રી?

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સાંસદ પાટીલે કાર્યભાર સંભાળ્યા બાદ પક્ષમાં પરિવર્તન કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં 2014 પહેલાના ભાજપને ફરી બેઠો કરવા કવાયત શરૂ કરી દીધી છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પાટીલે સૌપ્રથમ કૉંગ્રેસમુક્ત ભાજપ બનાવીને પક્ષના સુષુપ્ત થઇ ગયેલા કાર્યકરોને રિચાર્જ કરી ભાજપને આત્મનિર્ભર બનાવવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લા 3 દિવસથી પાટીલે સતત બેઠકો કરીને પક્ષના નવા સંગઠન માટે અને ભાજપને ફરી રિચાર્જ કરવા માટે મહેનત શરૂ કરી છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બનતાની સાથે જ સુરત શહેરમાં યોજાયેલી શુભેચ્છા મુલાકાતના કાર્યક્રમમાં પાટીલે કૉંગ્રેસના કાર્યકરો માટે ભાજપમાં હવે નો એન્ટ્રી હોવાનો આડકતરો ઇશારો કર્યો હતો. તેમણે સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે, કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય અથવા આપણે તેમને જોડવા પડે પછી આપણે ચૂંટણી જીતીએ તેવા સંજોગો ન ચલાવી લેવાય. ભાજપનો કાર્યકર્તા પોતાની તાકાત પર લડે અને ભવ્ય જીત પ્રાપ્ત કરે તે જ આપણી આવડત છે. તેના માટે આપણે કોઇની મદદ લેવાની જરૂર નથી. આમ કહીને પાટીલે આડકતરી રીતે કૉંગ્રેસ માટે ભાજપના દરવાજા બંધ થઇ ગયા હોવાનો ઇશારો કરી દીધો હતો. પાટીલ સંગઠનમાં આવ્યા બાદ પક્ષમાં હવે મોટા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે. સમગ્ર માળખામાં મોટા પ્રમાણમાં ઉથલ-પાથલ થાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી કૉંગ્રેસના નેતાઓને ભાજપમાં બેધડક એન્ટ્રી આપવાની શરૂ થયા બાદ ભાજપના જૂના અને સંનિષ્ઠ આગેવાનો, કાર્યકરો ભાજપમાં નિષ્ક્રિય થઇ ગયા હતા. આવા કાર્યકરો અને આગેવાનોને ફરી રિચાર્જ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.