શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 માર્ચ 2022 (11:20 IST)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવ્યો હતો.

ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોકજાગૃતિ કેળવવા વર્ષ ૨૦૧૮થી આ જળ અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવે છે.
આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ (૭૫ વર્ષ)ના ઉપલક્ષ્યમાં આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન ૭૫ દિવસ સુધી લોકભાગીદારીથી હાથ ધરાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળસંપત્તિ વિભાગના સહયોગથી ૬ જેટલાં વિભાગોએ સાથે મળીને આ અભિયાન ઉપાડયું છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કોલવડા ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીનો આરંભ કરાવી આ જળ અભિયાન વિધિવત રીતે શરૂ કરાવ્યું હતું.
પાંચમા તબક્કાના આ સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે તા. ૩૧ મે ૨૦૨૨ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૩ હજારથી વધુ કામ હાથ ધરવામાં આવશે.
તળાવો ઉંડા કરવા, ચેકડેમના  ડિસીલ્ટિંગ ના કામો, જળાશયના ડિસીલ્ટિંગ ના કામો, નદીઓના કાંસની સાફ-સફાઈ કરી પુનઃ જીવીત કરવાના કામો, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયના કામો સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કરવામાં આવે છે 
આ વર્ષે આવા કામો દ્વારા જળસંગ્રહ શક્તિમા ૧૫ હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થવાનો અંદાજ છે
મનરેગા હેઠળ થનારા કામોમાં આ અભિયાન અંદાજે ૨૫ લાખ કરતાં વધુ માનવદિન રોજગારી પૂરી પાડશે.
મુખ્યમંત્રીશ્રીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર  અને પરમેશ્વર નો પ્રસાદ ગણાવતા આ પ્રસંગે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે.
ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ યોજના, નર્મદા કેનાલ નેટવર્ક, સૌની યોજના જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે. એટલું જ નહીં હવે ખેડૂત ત્રણેય સીઝનમાં પાક લેતો થયો છે આ બધાની સફળતાના પાયામાં પ્રધાનમંત્રીશ્રીનું દ્રષ્ટિવંત જળ વ્યવસ્થાપન રહેલું છે એમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. 
મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે આ સુજલામ સુફલામ્ અભિયાન ને પરિણામે ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને માત્ર માનવી જ નહિ પશુ પંખી સૌ ને પૂરતું પાણી મળતું થશે
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણે પાણી બચાવી, વીજળી બચાવી દેશ સેવા કરી શકીએ
 એટલું જ નહિ  જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારત સાકાર  કરવા  પણ તેમણે પ્રેરણા આપી હતી
 
રાજ્યમાં આ જળ અભિયાનના ચાર તબક્કા જન સહયોગથી જવલંત સફળતાને વર્યા છે. 
વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૧ના વર્ષોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત  ૫૬૬૯૮ કામો થયા છે. ૨૧૪૦૨‌  તળાવો ઉંડા કરવાના અને નવા તળાવોના કામો તથા ૧૨૦૪  નવા ચેકડેમના કામો અને ૫૦૩૫૩ કિલોમીટર લંબાઇમાં નહેરો અને કાંસની સાફ-સફાઈના કાર્યો કરવામાં આવ્યા છે
૪ વર્ષમાં આ કામોના પરિણામે કુલ ૬૧૭૮૧ લાખ ઘન ફૂટ જેટલો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે આ ઉપરાંત ૧૫૬.૯૩ લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે.
.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓછા પાણીએ તથા રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી સાચા અર્થમાં ધરતીમાતાને સુફલામ સુજલામ બનાવવા આ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય તેવું પ્રેરક આહવાન કર્યું હતું
આ અભિયાનના પ્રારંભ અવસરે ગાંધીનગરના મેયર શ્રી હિતેશ મકવાણા, ઉપ મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ,જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ ભાઈ,મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, તેમજ શહેર અને જિલ્લાના સંગઠન પદાધિકારીઓ, જળ સંપત્તિ સચિવશ્રી પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.