મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું, રૂપાલાએ કહ્યું- 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે
સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. આનાપગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી. કમલમ ખાતે બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલની બેઠક ચાલી રહી છે. જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, રાતે તેઓ પારિવારિક કામ અર્થે તેમના બહેન ના ત્યાં ગયા હતા, ત્યારબાદ આજે સવારે રવાના થઈ ગયા હતા, સામાન્ય રીતે પરિવાર ના કામ માટે અમિત શાહ થોડા સમય માટે પણ અમદાવાદ વારંવાર આવતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સ્વાગત કર્યું હતું.તેમના સ્વાગત માટે શહેર ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.