1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 જાન્યુઆરી 2019 (12:12 IST)

અમદાવાદમાં કોલ્ડવેવથી ઠંડી વધીને 8.6 ડિગ્રીએ પહોંચી

cold wave in Ahmadabad
શહેરમાં ઉત્તર પૂર્વ દિશા ધરાવતા પ્રતિ કલાકે ૧પ કિ.મી.ની ગતિવાળા ઠંડાગાર પવનના કારણે છેલ્લા બે દિવસથી કોલ્ડવેવનું મોજું ફરી વળ્યું છે. ગઇ કાલ કરતાં આજે ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાયો છે. આજે ઠંડીનો પારો ગઇ કાલના ૯.૧ ડિગ્રી ઠંડીની તુલનામાં વધુ નીચે ગગડીને ૮.૬ ડિગ્રીએ જઇને અટક્યો હતો. શહેરમાં હજુ બે-ત્રણ દિવસ કોલ્ડવેવ રહેશે.
અમદાવાદીઓ માટે ઉત્તરાયણના પવિત્ર દિવસે હવા અને ઠંડીનું પ્રમાણ સાનુકૂળ રહેતાં પતંગ ચગાવવાના આનંદમાં વધારો થયો હતો. ઉત્તરાયણની પછીના દિવસો પણ ઠંડીના મામલે અમુક અંશે રાહત આપનારા નીવડ્યા હતા. લોકોએ શિયાળાની કાતિલ ઠંડી જાણે કે હવે ધીમા પગલે વિદાય લઇ રહી છે તેવું અનુભવ્યું હતું.
પરંતુ જમ્મુ-કાશ્મીર, કેદારનાથ, સિમલા-મનાલી સહિતના ઉત્તર ભારતમાં ફરીથી એક વખત હિમવર્ષા શરૂ થવાથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોલ્ડવેવનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં દિવસ દરમ્યાન પણ હાડ થિજાવતાં ઠંડા પવનના કારણે ‘હિલ સ્ટેશન’ જેવો માહોલ સર્જાયો છે.
આજે શહેરમાં ૮.૬ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું હતું. જ્યારે દિવસ દરમ્યાન મહતમ તાપમાન ગઇ કાલના ૧૪.૧ ડિગ્રી તાપમાન કરતાં પણ ઓછું રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. ગઇ કાલની જેમ આજે પણ મહત્તમ તાપમાન ર૩-ર૪ ડિગ્રીની આસપાસ નોંધાશે કે જે સામાન્ય તાપમાન કરતા ચાર ‌ડિગ્રી ઓછું રહેવાનું હોઇ આજે પણ નાગરિકો શહેરનાં વાતાવરણમાં હિલ સ્ટેશન જેવો ઠંડો ઠંડો કુલ કુલ અનુભવ કરશે.
દરમ્યાન અમદાવાદ ઉપરાંત આજે ડીસા ૭, વડોદરા ૭.૬, કંડલા ૯.૧, ગાંધીનગર ૭.૪, વલસાડ ૯.૧, વલ્લભવિદ્યાનગર ૯.ર અને નલિયા ૬.૭ ડિગ્રી એમ રાજ્યના કુલ ૮ શહેરમાં દશ ડિગ્રીથી નીચું લઘુતમ તાપમાન નોંધાતા સમગ્ર રાજ્ય કોલ્ડવેવના સપાટા હેઠળ સતત બે દિવસથી આવ્યું છે.
રાજ્યના અન્ય પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં સુરત ૧૩.પ, રાજકોટ ૧૦.પ અને ભૂજમાં ૧૦.ર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા રાજ્યમાં ઠંડીની તીવ્રતા આગામી ત્રણેક દિવસ સુધી જળવાઇ રહેશે તેવી આગાહી કરાઇ છે.