ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (15:26 IST)

કોંગ્રેસની જાહેરાત, પાકિસ્તાનની જેલમાં ગુજરાતનો માછીમાર મૃત્યુ પામે તો 10 લાખ, જેલમાં રહે ત્યાં સુધી તેના પરિવારને રોજના 400ની સહાય

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉમેદવારોની પસંદગીથી લઈને સંગઠન સુધીની પ્રક્રિયા જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે માછીમારો માટે વાયદો રજુ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ગુજરાતના માછીમારોને 14 પ્રકારની ગેરંટી આપવામાં આવી હતી. કોંગ્રેસે તેના સંકલ્પ પત્રમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારનું મૃત્યુ થશે તો 10 લાખ તેમજ જેલમાં રહે ત્યાં સુધી તેના પરિવારોને રોજના 400 રૂપિયાની સહાય આપવામાં આવશે.

આજે માછીમારોના સંકલ્પ પત્રની અમદાવાદ ખાતેથી જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, 27 વર્ષના શાસનમાં માછીમારોના હક્ક ઝુંટવનારી ભાજપની સરકારને હટાવીને 2022માં કોંગ્રેસ પક્ષની સરકાર બનતાં જ માછીમાર ભાઈઓ માટે 27 વર્ષ પહેલાં અમલમાં રહેલી યોજનાઓ પૂનઃ જીવીત કરવાની સાથે ગુજરાતને ફરીથી દેશનું ફીશીંગ હબ બનાવવાની બાંહેધરી આપીને માચ્છીમારો માટેના 14 સંકલ્પો-ગેરેંટીની જાહેરાત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 'દ્વારકા ઘોષણા પત્ર'ના અનુસંધાને આજે માચ્છીમાર વ્યવસાયીકો માટેના કોંગ્રેસના સંકલ્પપત્રમાં માચ્છીમાર બોટ માટે વાર્ષિક ૩૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલ, પીલાણા-ફાઈબર બોટ માટે ૪,૦૦૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત પેટ્રોલ, પીલાણામાં નવા પેટ્રોલ એન્જીન માટે રૂપિયા એક લાખની સબસીડી, પાકિસ્તાનની જેલમાં રહેલ માચ્છીમાર માટે દૈનિક રૂ.૪૦૦નું ભથ્થું તથા પાકિસ્તાનના કબ્જામાં રહેલ બોટના માલિકને રૂપિયા ૫૦ લાખનું પેકેજ, માચ્છીમારો માટે નવી આવાસ યોજના, બાળકો માટે શિષ્યવૃત્તિ, દરેક મત્સ્ય બંદરો પર ''મત્સ્ય વ્યાપાર ઝોન'', પ્રોસેસીંગ પ્લાન્ટો માટે પ્રોત્સાહન, દેશી વહાણવટા માટે પ્રોત્સાહન સહિતના ૧૪ મુદ્દાના સંકલ્પ-ગેરેંટીની જાહેરાત કરી હતી.