શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (18:14 IST)

ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે નિયંત્રણોને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલનુ મહત્વનુ નિવેદન

નિયંત્રણો નાખવની કોઈ જરૂરિયાત દેખાતી નથી - CM

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુરૂવારે રાજ્યમાં 571 કેસ સામે આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે, એક્ટિવ કેસની સંખ્યા 2371 સુધી પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ આવતા તંત્ર સાબદું બન્યું છે. રાહતના સમાચાર એ છે કે આજે કોઈ પણ કેસ ઑમિક્રૉનનો નોંધાયો નથી. આજે કોરોનાને માત આપીને 102 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે કોરોનાગ્રસ્ત 11 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.50 ટકા રહ્યો છે. જ્યારે રાજ્યભરમાં આજે 2.32 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. ગુજરાતના 3 શહેરમાં ચિંતાજનક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં 269 અને ગ્રામ્યમાં 9 કેસ, સુરત શહેરમાં 74 અને ગ્રામ્યમાં 4 કેસ, વડોદરા શહેરમાં 41 અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે. ત્યારે આ ત્રણેય જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોજ કોર કમિટીની બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળનારી આ બેઠકમાં કોરોના કંટ્રોલની કામગીરીની રોજ રૂપરેખા તૈયાર થશે તેમજ જિલ્લાને આપેલ આદેશ પ્રમાણે થઈ રહેલા કામોનું સીએમ પટેલ ખુદ નિરીક્ષણ કરશે.સોમ, મંગળ, બુધ મુખ્યમંત્રી કાર્યાલયમાં કોર કમિટીની બેઠક મળશે જ્યારે ગુરુ, શુક્ર, શનિ મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકનું આયોજન થશે. 
 
ગુજરાતમાં એકાએક કોરોના કેસ વધી રહ્યા છે ગઈ કાલે 500થી વધુ કોરોના કેસ સામે આવ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટમા કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમમાં CMએ નિવેદન આપતા કહ્યું કે હાલના તબક્કે વધુ નિયંત્રણો નાખવાની જરૂર નથી, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલ કાબૂમાં છે. જેથી નિયંત્રણો નાખવની કોઈ જરૂરિયાત દેખાતી નથી. અહીં માસ્ક અંગે પણ મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને ટકોર કરી હતી અને કાર્યર્તાઓને માસ્ક પહેરવાનું સુચન કર્યું હતું. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે લોકોને દંડ કરતા પહેલા આપણે પણ નિયમોનું પાલન કરવું જરૂરી છે.