પોલીસ બેડામાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસ આટલા પોલીસકર્મી થયા સંક્રમિત
કોરોનાની ત્રીજી લહેરે ફરી પીક પકડી છે. સતત કોરોના કેસ વધી રહ્યા છે. એમાંપણ ખાસ કરીને અમદાવાદ, સુરત સહિતના મોટા શહેરોમાં વધુ કેસ સામે આવ્યા છે. થોડા દિવસો પહેલાં રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ હવે પોલીસ કર્મીઓ પણ કોરોનાને ચપેટમાં આપી રહ્યા છે.
હાલ ચાલી રહેલી લહેરમાં ફરી એક વાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઝપેટમાં આવ્યા છે. જેમાં 2 એસીપી,3 પીઆઇ અને 12 થી વધુ પીએસઆઇ સહિત 351 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી માત્ર બે લોકો માત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે કોરોનાથી સંક્રમિત થતા અટકાવવા રસીકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે શહેર પોલીસને પ્રિકોશનર ડોઝ આપવામાં આવી રહ્યો છે.
કોરોના સંક્રમિત પોલીસ અધિકારીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય માટે દરરોજ કમિશ્નર કચેરીથી અપડેટ મેળવવામાં આવી રહી છે. જો કોઈને વધુ લક્ષણો દેખાય તો તે મુજબ તેઓને ટ્રીટમેન્ટ આપવા માટે અધિકારીઓ ફરજ બજાવે છે.જોકે હજુ સુધી કોઈને ગંભીર લક્ષણો ન હોવાનું ધ્યાને આવ્યું છે.ઉલ્લેખનીય છે કે આ આંકડાકીય માહિતી મુજબ કૃષ્ણ નગર, સોલા અને ખોખરા પોલીસ સ્ટેશન માં સૌથી વધુ કોરોના ના કેસ હોવાનું સામે આવ્યું છે. અત્રે નોંધનીય છે કે એક જ દિવસમાં 85 પોલીસકર્મી કોરોના સંક્રમિત થતા કુલ આંકડો 351 સુધી પહોંચ્યો છે.