શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (17:04 IST)

મુખ્યમંત્રી કાર્યાલયમાં એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજ્યમાં કોરોનાની હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. સ્વર્ણિમ સંકુલ-1 સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયમાં એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એજન્સી અંતર્ગત કામ કરતો કર્મચારી કોરોના સંક્રમિત થયો છે. જો કે, મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા અન્ય લોકો માટે રાહતના સમાચાર એ છે કે, કોરોનાગ્રસ્ત બનેલો આ કર્મચારી છેલ્લા ચાર-પાંચ દિવસથી ઓફિસે આવતો ન હતો. જેથી બીજાને ચેપ લાગવાની શક્યતા નહીવત છે. ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા સ્વર્ણિમ સંકુલ-2માં મંત્રી જયદ્રથસિંહ પરમારની કચેરીના ક્લાર્ક ભરતસિંહ ડાભીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં મંત્રીની ઓફિસના તમામ કર્મીઓને હોમ ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા હતા. આ પહેલા 10 જૂને સ્વર્ણિમ સંકુલમાં આવતા અરજદારો, કર્મચારીઓ, મંત્રીઓના સ્વાસ્થ્યની ચકાસણી માટે ઓટોમેટિક થર્મલ સ્કેનર મૂકવામાં આવ્યું હતું. સ્વર્ણિમ સંકુલમાં લગાવવામાં આવેલા આ ઓટોમેટિક થર્મલ સ્કેનર દ્વારા સંકુલની અંદર પ્રવેશતી કોઇપણ વ્યક્તિનો ફોટો પાડવામાં આવે છે અને સાથે જ ટેમ્પરેચર માપવામાં આવે છે. જો કોઇપણ વ્યક્તિનું ટેમ્પરેચર વધારે આવે તો તેને સંકુલમાં પ્રવેશ આપવામાં આવતો નથી.