સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 જુલાઈ 2020 (13:03 IST)

ખાનગી સ્કૂલો ફી નહીં ઊઘરાવી શકે તેવો ગુજરાત સરકારનો પરિપત્ર હાઇકોર્ટે રદ કર્યો

કોરોના મહામારી વચ્ચે વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ખાનગી સ્કૂલો ફી નહીં ઉઘરાવી શકે તેવો એક પરિપત્ર રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના વાલીઓના હિતમાં કર્યો હતો. આ મામલે ખાનગી સ્કૂલો હાઇકોર્ટમાં ગઈ હતી. હાઇકોર્ટે વચગાળાનો આદેશ કરતા આ પરિપત્ર રદ કરી દીધો છે. આ મામલે હાઇકોર્ટ વિગતવાર ચુકાદો બાદમાં આપશે. સંચાલકોએ હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે સ્કૂલ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી ફી ન ઉઘરાવવાનો પરિપત્ર રાજ્ય સરકાર કરી શકે નહીં. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ હવે ખાનગી સ્કૂલો વાલીઓ પાસેથી ફી ઉઘરાવી શકે છે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર હવે સંચાલકો સાથે વાટાઘાટો કરી શકે છે. આ ઉપરાંત આ મામલે ઉપલી કોર્ટમાં જવાનો વિકલ્પ પણ સરકાર પાસે રહેલો છે. આ મામલે પ્રતિક્રિયા આપતા સરકારે જણાવ્યું હતું તે, સરકારના ચુકાદાનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ જ શું કરવું તેના વિશે કોઈ નિર્ણય લેશે.ગુજરાત સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એવો પરિપત્ર કર્યો હતો કે વર્ષ 2020-21માં કોઈ પણ સ્કૂલ ફીમાં વધારો કરી શકશે નહીં. આ ઉપરાંત સ્કૂલ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી સ્કૂલ કોઈ પણ પ્રકારની શૈક્ષણિક ફી નહીં ઉઘરાવી શકે. ગુજરાત સરકારના અન્ય મુદ્દા હાઇકોર્ટે યથાવત રાખ્યા છે. પરિપત્રનો જે ચોથા નંબરનો ફી અંગેનો મુદ્દો હતો તે કોર્ટે રદ કર્યો છે.ગુજરાત હાઇકોર્ટે આ અંગે ચુકાદો આપતા ખાનગી સ્કૂલ સંચાલકોને શૈક્ષણિક કાર્ય શરૂ રાખવાનો આદેશ કર્યો હતો. સાથે જ ફી મામલે સરકાર સાથે બેસીને કોઈ નિરાકરણ લાવવાનું કહ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય સરકાર અને સ્કૂલ સંચાલકો વચ્ચે સમન્વય જરૂરી છે. રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેમણે સ્કૂલના સંચાલકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ફી ઘટાડવા માટે તૈયાર ન હતા.